ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (13:07 IST)

કલોલમાં કોંગ્રેસના ત્રણ સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ, શક્તિસિંહ ગોહિલે વીડિયો શેર કરીને બતાવ્યો

Gujarat Congress Chief Shakti Singh Gohil
કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ત્રણ સભ્યોને પોલીસ ઉઠાવી જતાં કોંગ્રેસ લાલઘૂમ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વીડિયો શેર કરીને કહ્યું હતું કે, કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પોલીસ હેરાન પરેશાન કરી રહી છે. કોંગ્રેસ પાસે 15 અને ભાજપ પાસે 11 સભ્યો હોવાથી પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આજે રાષ્ટ્રપતિ દ્વારા પેપરલેસ વિધાનસભા લોન્ચ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસે લોકશાહીની હત્યા બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતાં અને વિધાનસભામાં મુખ્યમંત્રીનું સન્માન કરવાનો ઈનકાર કરી દીધો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો હતો કે, કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના ત્રણ સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે આજે કલોલ તાલુકા પંચાયતમાં મતદાન છે અને કોંગ્રેસ પાસે બહુમતિ છે. પોલીસ આજે ચૂંટણી હોવાથી ગઈકાલ રાતથી જ કોંગ્રેસના સભ્યોને હેરાન કરી રહી છે. તેમણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલજી જો આવી કનડગત બંધ નહીં થાય તો આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિજીને આવેદન પત્ર આપીશું. કલોલના સભ્યો હોય કે સિહોરના તેમને પોલીસ કેમ હેરાન કરી રહી છે? મારી પાસે વીડિયો છે, હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજી જવું જોઈએ. અમે રાષ્ટ્રપતિની ગરીમા જાળવીએ છીએ.