શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 24 ઑગસ્ટ 2022 (17:42 IST)

100 Percent Rainfall in Gujarat - ગુજરાતમાં કેમ વરસી રહ્યો છે તોફાની વરસાદ, જાણો શુ કહે છે હવામાન વિભાગ

rain  ahmedabad
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા 8 ઈંચ વરસાદ સાથે ટોપ પર છે, ત્યારે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
 
જુલાઈ 2022ની શરૂઆત સુધી ગુજરાતમાં દુકાળ જેવ્વી સ્થિતિ હતી પણ જેટ સ્ટ્રીમના સતત શિફ્ટ થવા અને ચોમાસાના સક્રિય થઈ જવાને કારણે પૂર આવી ગયુ. આશ્ચર્યજનક છે કે  જે રાજ્યમાં દુકાળની સ્થિતિ હતી તે જ રાજ્ય આજે પૂરનો સામનો કરી રહ્યુ છે. જળવાયુ વૈજ્ઞાનીઓનુ કહેવુ છે કે જો કે હાલના દસકામાં હવા ઉત્તર તરફ સ્થાનાંતરિત થઈ છે તેથી ભારતના મધ્ય પશ્ચિમી વિસ્તારમાં અને અરબ સાગરના પૂર્વોત્તર વિભાગમાં વરસાદમાં મૌસમી ફેરફાર વધ્યો છે. 
ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને અહીં ફરી એકવાર તોફાની વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે જે ગતિથી વરસાદ થઈ રહ્યો છે તેની પાછળનું શું કારણ છે તે અંગે હવામાન વિભાગે  મહત્વની વિગતો જણાવી છે.
 
 હવામાન વિભાગ જણાવે છે કે  બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 8મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
 
વધુમાં વેધર ડિપાર્ટમેંટનુ કહેવુ છે કે રાજ્યના પંચમહાલ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, સિદ્ધપુર, કડી, હારીજ, સુરેન્દ્રનગર સહિતના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં 27થી 30 તારીખ દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની સંભાવના પણ  વ્યક્ત કરવામાં આવી છે.ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર ડીસા અને પાલનપુરમાં વરસાદી માહોલ બન્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં થયા છે. રાજ્યમાં ઠેક-ઠેકાણે થયેલા ભારે વરસાદ બાદ ડેમના દરવાજા ખોલીને નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં નર્મદા, તાપી અને સાબરમતીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. જેમાં ડેમની જળસપાટી નીચી આવ્યા પછી દરવાજા બંધ પણ કરવામાં આવ્યા છે.
rain in valsad