મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 ઑગસ્ટ 2021 (16:03 IST)

શું શંકરસિંહ ફરી કોંગ્રેસમાં કરશે એન્ટ્રી? હાઇકમાન્ડ સ્વિકારશે તેમની શરતો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી થઈ રહી હોવાના સમાચાર છે, ત્યારે કોંગ્રેસમાં કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં ચૂંટણી આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસને બેઠી કરવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડ શું નિર્ણય કરે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત કોંગ્રેસમાં બાપુની ફરીથી એન્ટ્રી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ બાપુ કેટલીક શરતો સાથે પાછા ફરવાના હોવાથી મુદ્દો અટવાઇ ગયો છે. 
 
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કોંગ્રેસમાં વાપસી માટે મનાવવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા છે, અને આ બાજુ શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. પણ કોંગ્રેસમાં પરત ફરવાની સાથે બાપુએ સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોથી માંડીને બીજી કેટલીક શરતો તેમણે કોંગ્રેસ સમક્ષ મુકી છે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ બાપુની તમામ શરતોને સ્વિકારવા માટે તૈયાર નથી તો બીજી તરફ બાપુ પોતાની શરતો પર ટસના મસ થવા તૈયાર નથી. 
 
આ દરમિયાનમાં ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડને રાજી કરવા માટે ભરપુર પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ બાપુને કોંગ્રેસમાં એન્ટ્રી આપવા સામે હાઇકમાન્ડ સુધી વિરોધ વ્યકત કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.