મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (10:15 IST)

રાજ્યના 17 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ, 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. હજી રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે. પરંતુ 17 તાલુકા એવા છે જ્યાં 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. જો આ વિસ્તારમાં હવે સિઝનના અંતમાં વરસાદ નહીં થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે અને ખેડૂતોએ કરેલા વાવેતરને પણ મોટું નુકસાન થઈ શકે છે.

રાજ્યમાં સતત વરસાદને કારણે બે સ્ટેટ હાઈવે સહિત 47 રસ્તાઓ હજી પણ બંધ છે. રાજ્યમાં હજી આગામી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુ ધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.સપ્ટેમ્બરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી માર્ગને નુકસાન થયું છે. જેમાં રાજકોટ અને જૂનાગઢના બે સ્ટેટ હાઈવે હજુ બંધ હાલતમાં છે. પંચાયત હસ્તકના 44 માર્ગોમાં વડોદરા જિલ્લાના 11, નવસારીના 08, રાજકોટના 06, સુરતના 05, ભાવનગર, વલસાડ અને જામનગર જિલ્લાના ત્રણ- ત્રણ જ્યારે દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં પણ એક- એક માર્ગ બંધ છે.  સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 55.89% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.