શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (12:49 IST)

યલો પેન્સિ ગ્રાસ, યલો ક્યુપીડ બ્લેક રાજા ફર્ગેટ મી નોટ, કોમન રોઝ..આ બધા કોણ છે એ જાણો છો..!?

કોઈ તમને પૂછે કે યલો પેંસી, બ્લેક રાજા, ગ્રાસ યલો, કોમન લાઈમ, કોમન રોઝ, કોમન પાઇરોટ, કોમન ક્રો, ફરગેટમી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું? તો તમે ચોક્કસ મુંઝાઈ જશો. આ સવાલનો જવાબ તમને સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે આપી શકે.તેઓ જણાવે છે કે નયનરમ્ય અને અતિ નાજુક પતંગિયાઓના આ નામ છે અને તેમનું સરનામું કે/ઓ સયાજીબાગની પાછળ અને બાળ ભવનની સામે આવેલી નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર છે જ્યાં આ વર્ષે વિવિધ પ્રજાતિઓના બે લાખથી વધુ રોપા ઉછેરીને વનસ્પતિ ઉછેરના ચાહક વડોદરાવાસીઓને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડવામાં આવ્યા છે.
માત્ર ઉપર જણાવેલા પતંગિયા જ નહિ પરંતુ ભાત ભાતના પક્ષીઓ જેમ કે મેલ અને ફિમેલ કોયલ, હોર્નબિલ જેનું ગુજરાતી નામ ચિલોતરો છે, સમડી, માથે લાલ ફૂમતું ધરાવતી બુલબુલ, પોપટ, લક્કડખોદ, બી ઇટર, ગોલ્ડન ઓરીઓલ, મેના બેબ્લર અને કાળાશ પડતા રેશમી ભૂરા રંગના વસ્ત્રો પહેર્યા હોય એવી નાનકડી પણ રૂપાળી દેવચકલી - સન બર્ડ પણ ઉપરના જ સરનામે રહે છે.
 
કહી શકાય કે અહીં પાંખાળા પક્ષી અને પતંગિયાનો રૂપેરી મેળો ભરાય છે. કરુણતા જુવો કે કોરોનાએ તરણેતર કે રાજકોટનો સાતમ આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં. પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી. તેનું કારણ ખબર છે? આ લોકો હજુ પણ કુદરત સાથે તાલ મિલાવીને જીવે છે. તેઓ માનવ જેટલા બુદ્ધિશાળી નથી ને! માનવ એની બુદ્ધિથી કૃત્રિમ અને કુદરત સાથે મેળ વગરનું જીવન જીવે છે એટલે પાબંદીઓમાં સપડાય છે. જેણે જેવું કર્યું તે તેવું પામ્યા.
 
પક્ષીઓ અને પતંગિયાઓને આ જગ્યા જ કેમ ગમી ગઈ? તેનો જવાબ આપતાં નિધિ દવે જણાવે છે કે અમે આ સ્થળે સ્થળની શોભા વધારવા જાસૂદ, અપરાજિતા, એકઝોરા, બિલી, સરગવો, મીઠો લીમડો, કોઠી, ગળતોરા, નગોડ અને લીંબુ જેવા ફલ ફૂલના છોડ/ વૃક્ષો ઉછેર્યા છે જે તેમને કુદરતી નિવાસની સુખભરી સુવિધા આપે છે. તેના લીધે આ જગ્યા તેમને ગમી ગઈ છે. અહીં વેલા, છોડ અને ઘેઘૂર વૃક્ષો જેવી બધી જ અનુકૂળતા છે એટલે પક્ષી અને પતંગિયા સૃષ્ટિની વિવિધતા જોવા મળે છે.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા અને મદદનીશ વન સંરક્ષક રાજગુરુના માર્ગદર્શન હેઠળ આ પક્ષી પતંગિયા ઉદ્યાનની દેખરેખ રાખવામાં આવે છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. અહીં કુદરતી કરિશ્માના રૂપમાં તે વિકસ્યો છે. અને પક્ષી કે પતંગિયાનું નિરીક્ષણએ ધીરજ માંગી લેતું કામ છે.
 
ત્યાં પહોંચો એટલે આ લોકો તમને દરવાજે આવકારવા આવે એવું નથી.ધીરજ સાથે મીટ માંડી ને રાહ જુવો તો જોવા મળે. કારણ કે અહીંના વી.આઇ.પી.આ કુદરતી જીવો છે. આવા સ્થળો શીખવે છે કે કુદરતની મરજી પ્રમાણે જીવનની અનુકૂળતા સાધો તો જીવન પક્ષી પતંગિયાની વાડી જેવું બને. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો આનાથી સચોટ કયો બોધપાઠ હોઈ શકે?