શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 18 જૂન 2018 (12:39 IST)

દલિત યુવાનને વરઘોડામાં ઘોડા પરથી ઉતરી જવા ફરજ પડાઈ, આખરે પોલીસ બંદોબસ્તમાં નીકળી જાન

ગાંધીનગરના માણસા તાલુકાના પારસા ગામ ખાતે દલિત સમાજના વરરાજાને લગ્ન દરમિયાન વરઘોડામાં ઘોડા પરથી ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ રજપૂત સમાજના કેટલાક યુવકો આટલેથી જ નહોતા અટક્યા પણ તેમણે ઘોડાના માલિકને પણ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેમજ વરઘોડામાં વાગતા ડીજે મ્યુઝિકને પણ બંધ કરાવી દીધું હતું. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. જ્યારે જિલ્લા તંત્ર આ બનાવમાં શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે પ્રયાસરત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વરરાજાના સગાસંબંધીઓ મુજબ રવિવારે બપોરે જ્યારે પ્રશાંત ચમાર નામના વ્યક્તિની જાન પારસા ગામમાં પ્રવેશી અને વરઘોડો નીકળ્યો ત્યારે કેટલાક રજપૂત સમાજના યુવાનો અચાનક આવ્યા અને વરરાજા તેમજ તેના પરિવારને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે ઘોડા પર બેસવાનો અધિકાર ફક્ત દરબાર સમાજને જ છે.જ્યારે ચમારના પિતરાઈ ભાઈ અશ્વિન સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘જ્યારે અમારો વરઘોડો ગામમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે કેટલાક રજપૂત સમાજના યુવાનો ત્યાં આવ્યા અમને ધમકી આપી હતી. આ સાથે જ ઘોડાવાળાને તમાચો મારીને તાત્કાલીક જતુ રહેવા કહ્યું હતું નહીંતર તેના અને તેના ઘોડાના પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ ડીજે જે વાહનમાં હતું તેને પણ બાળી નાખવાની ધમકી આપી હતી.’જેથી ત્યાં હાજર રહેલા લોકોએ પોલીસને મદદ માટે કોલ કરતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વરઘોડાને પોલીસ પ્રોટેક્શન પૂરુ પાડ્યું હતું. માણસા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે. પટેલે કહ્યું કે ‘તેમણે અમને બપોરે ફોન કર્યો હતો અને અમે તત્કાળ એક્શન લેતા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં કથિત ધમકી આપનારા યુવાનો નાસી છૂટ્યા હતા. આ મામેલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.પોલીસના SC/ST સેલના ડી.વાય.એસ.પી. રાજેશ ભાવસારે કહ્યું કે ‘અમે ચાર કાર અને 30 જવાનોનું વરઘોડાને રક્ષણ આપ્યું હતું અને સમગ્ર વરઘોડા દરમિયાન હું પણ ખુદ પીઆઈ અને પીએસઆઈ સાથે ત્યાં હાજર રહ્યો હતો. જ્યારે સોલંકીએ કહ્યું કે, ‘કલેક્ટર, ડીવાયએસપી અને સરપંચ બધા જ અમારી મદદે આવ્યા હતા. તેમજ તેમણે વિધિવત વરઘોડો કાઢવા માટે અમને જણાવ્યું હતું અને ઘોડાવાળાને પણ પરત બોલાવ્યો હતો. આ સાથે જ આવા તત્વો ફરી અમને રંજાળે નહીં તે માટે પણ પૂરતી તકેદારી રાખી હતી.