શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (12:01 IST)

પરપ્રાતીયોને નિશાન બનાવી માર મારવાની અફવા ફેલાવનારા કુલ ૨૯ની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

સોશીયલ મિડીયામાં પરપ્રાતીયોને નિશાન બનાવી માર મારવાની અફવા ફેલાવનારા વધુ ૧૦ આરોપી સાથે કુલ ૨૯ આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. જેમાં અમદાવાદ તથા અન્ય જીલ્લાના આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજયભરમાં દોઢસોથી વધુ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
એક આરોપી પાલનપુર મિડીયા સેલનો પ્રમુખ હોવાનું બહાર આવ્યું  પોલીસે ૮૦ જેટલી પ્રોફાઈલ શોધી તથા ૩૫ વિડીયો લીંક મેળવી સાબરકાંઠાના ઢુંઢર ગામની સીમમાં બાળકી પર દુષ્કર્મના બનાવને પગલે રાજયભરમાં પરપ્રાંતીયો પર હુમલા શરૃ થઈ ગયા હતા. બીજીતરફ સોશીયલ મિડીયા પર તેમને નિશાન બનાવીને માર મારવાની અફવાઓ ફેલાવા લાગી હતી.  જેમાં અમદાવાદથી કિરણ કુબેરભાઈ મકવાણા (૩૧), ભાવેશ મંગાજી ઠાકોર (૩૫), પ્રવિણ રમેશજી ચૌહાણ (૨૦) ની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે રાજ્યના અન્ય જીલ્લામાં ધરપકડજ કરાયેલા આરોપીઓને સાયબર ક્રાઈમ સેલને સોંપવામાં આવ્યા હતા.
જેમાં પાટણ જીલ્લામાંથી અમીતકુમાર સેવંતીલાલ પંચાલ (૩૦), બચુજી સોવનજી ઠાકોર (૨૩), અમદાવાદ ગ્રામ્યમાંથી સતીષ સુરેશભાઈ સૈજા (૨૧),  બનાસકાંઠામાંથી  જગદીશસિંહ બાલસંગજી ઠાકોર (૨૪), ઈશ્વર ભંવરલાલ સોનગરા (૨૧), રાહુલ કુમાર નગીનભાઈ પરમાર (૨૪) અને કચ્છ પુર્વ જીલ્લામાંથી તુષાર મગનભાઈ સોલંકી (૨૧) મળીને કુલ ૨૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટના જણાવ્યા મુજબ આરોપી રાહુલ પરમાર (ઠાકોર) ની પુછપરછમાં તે ગ્રેજ્યુએટ થયેલો હોવાનું તથા મોબાઈલની દુકાનમાં કામ કરતો હોવાનું બહાર આવ્યુ છે. તે સિવાય તે છેલ્લા બે વર્ષથી ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયેલો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
રાહુલ પાલનપુર શહેર મિડીયા સેલનો પ્રમુખ છે અને  સોશીયલ મિડીયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં પોતાના નામથી એકાઉન્ટ ધરાવે છે. જ્યારે જગદીશ ઠાકોર એલએલબીનો અભ્યાસ કરે છે.તેણે પણ અલગ અલગ પોસ્ટ શેર કરીને પરપ્રાંતીયોને નિશાન બનાવી ગુનો આચર્યો હતો. પોલીસ આરોપીઓનાં મોબાઈલ કબજે કર્યા છે. તે સિવાય સોશીયલ મિડીયા પર અફવા ફેલાવના, કોમેન્ટ, પોસ્ટ તથા વિડીયો અપલોડ કરનાર અલગ અલગ ૭૦થી ૮૦ જેટલી પ્રોફાઈલ શોધી કાઢી હતી. તે સિવાય ૩૫ જેટલી વિડીયો લીંક પણ મેળવી છે. રાજયભરમાં કુલ ૧૫૭ આરોપીની ધરપકડ થઈ છે. ઉપરાંત તપાસમાં ૧૧૪ આરોપીના નામ ખુલ્યા છે અને પોલીસ અન્ય આરોપીઓના નામ શોધવાની કામગીરી કરી રહી છે. તપાસમાં ૧૫૦થી ૨૦૦ નામ ખુલશે અને તેમની ધરપકડ કરાશે, એમ પોલીસે કહ્યું હતું.