ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (11:19 IST)

રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અમદાવાદમાં વરસાદની રાહ જોવી પડશે

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે.

ગત જુલાઈ માસની ત્રીજી તારીખ સુધીમાં અમદાવાદમાં 16 ટકા વરસાદ થયો હતો. ત્યારે ચાલુ વર્ષની આ સિઝનમાં માંડ પાંચ ટકા જેટલો વરસાદ થયો છે. આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી કરી છે.આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.

7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની શક્યતાઓ છે. શહેરમાં લોકોની આતુરતાની રાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી ઘુમા, બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદી આંકડા પ્રમાણે, હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સાંભવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે NDRFના 25 સભ્યોની ટિમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેમાં NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ રાખવામાં આવી છે. આ NDRFની ટિમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે તે બાજુ જઇને રાહત અને બચાવની કામગીરી કરાશે.