બેનઝીર ભુટ્ટોની 2007ની જીવન યાત્રા

બેનઝીર બુટ્ટો પર પહેલાં કરાચીમાં પણ હુમલો થયો હતો

BBCBBC

ભારતનો નહેરૂ ગાંધી પરિવારની જેમજ ભુટ્ટો પરિવાર પાકિસ્તાનમાં સૌથી ફેમશ અને મસહુર રહ્યો છે. બેનઝીરના પિતા જુલ્ફિકાર અલી ભુટ્ટો સત્તરના દશકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા. તેની સરકાર પાકિસ્તાનના ઇતિહાસના પ્રથમ 30 વર્ષમાં તે સરકારમાની હતી કે જેમાં લશ્કરની કોઇ દખલગીરી ન્હોતી.

બેનઝીર બોમ્બધડાકાના અવાજ સાંભળવા નહીં પણ રાજકીય ધડાકા કરવા આવ્યાં હતા. છેલ્લા પાંચ દાયકાથી ભારતમાં જેહાદી ત્રાસવાદના અણિયાળા હથિયાર વડે આતંકવાદ ફેલાવીને દેશની આંતરિક સલામતીને રંગદોળવાનો સતત પ્રયાસ કરતા આવેલા પાકિસ્તાનમાં ધાર્મિક ઉગ્રવાદ વિરુદ્ધ સત્તાની સાઠમારીનો ખેલ જામેલાને તોડી પાડવાનો તેમનો ઇરાદો હતો.

8 વર્ષ બાદ પરત ફરેલા બેનઝીર -
8 વર્ષ બાદ પોતાના દેશમાં પરત ફરેલાં માજી વડાપ્રધાન બેનઝિર ભુટ્ટોના પુનરાગમનની પ્રતિક્રિયામાં કટ્ટરવાદી તત્ત્વોએ લાશોનો ઢગલો ખડકીને માત્ર બેનઝીરને જ નહીં, પાકિસ્તાની અવામ, હકૂમત અને શાંતિની હિમાયત કરનારા તમામને પોતાની અસલી માનસિકતા ઉગ્રપણે દેખાડી દીધી છે.
PTIPTI

બેનઝીરનો બોમ્બ બ્લાસ્ટનો પ્રથમ અનુભવ -
તા.18મી ઓક્ટોબર, 2007ના રોજ પાકિસ્તાન આવ્યા પછી હમવતન શહેર કરાચીમાં બેનઝરી ભુટ્ટો પોતાના હજારો સમર્થકો સાથે કાયદેઆઝમની મઝાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે થયેલા બે પ્રચંડ બોમ્બ ધડાકાએ દુનિયા સમક્ષ પાકિસ્તાનની અસલી હાલત દેખાડવાની સાથે બેનઝીરને પણ પોતાનો આવનારો સમય કેટલો અને કેવો કપરો હશે એનો ધ્રુજારીપૂર્ણ અહેસાસ પણ કરાવી દીધો હતો.

પ્રધાનમંત્રી બેનઝીરની સફર -
1986થી 1990 અને 1993થી 1996 સુધીના બે તબક્કાના પોતાના શાસનકાળ દરમિયાન મોહતરમા બેનઝીર ભુટ્ટોએ આચરેલા ભ્રષ્ટાચારોના આરોપોના મામલાથી નવાઝ શરીફના શાસનકાળમાં ઘણી ચકચાર મચી હતી. છેવટે વર્ષ-1999માં બેનઝીર પાકિસ્તાન છોડીને સ્વેચ્છાએ બ્રિટન જતાં રહ્યાં. છેલ્લા કેટલાક વર્ષોથી બેનઝીર પોતાનાં ત્રણ સંતાનો અને પતિ આસિફ ઝરદારી સાથે દુબઈમાં રહેતાં હતાં.

બેનઝીરે સ્વદેશ પરત આવવા માટે કમર કસવા માંડી ત્યારથી જ મુશર્રફે એમને ચેતવવા માંડયા હતા અને ભ્રષ્ટાચારના જૂના કેસોનો ચીપિયો પછાડવા માંડયો હતો. પરંતુ બેનઝીર જુદી જ માટીની રાજનેતા હતા. છતાં પરવેઝ મુશર્રફ એમ કંઈ ગાંઠે એવા નહોતા. પાકિસ્તાનમાં એમના દહાડા ભરાઈ ગયા હોય એવું ભલે લાગતું હોય પરંતુ લશ્કરી વર્દીમાં રહીને દેશની સરમુખત્યારી કરીને તેઓ રીઢા રાજકારણી બની ચૂકયા છે.
BBCBBC

બેનઝીરનું આકર્ષણ -
બેનઝીરના સિંધપ્રાંત ઉપરાંત આખા પાકિસ્તાનમાં જ નહીં સમગ્ર ઇસ્લામિક જગતમાં અને વિશ્વ આખામાં એક આકર્ષણ કરિશ્માઈ વ્યકિતત્વ ધરાવતું હતું . આધુનિકતા અને લોકશાહીના નવા પ્રતીક રૂપે તેમનું પુનરાગમન થયેલું હતું.

તા.18મી ઓક્ટોબર, 2007ના રોજ ગુરૂવાર રાત્રે કરાચીના લોકઉન્માદે બેનઝિરની અસરકારકતાની ઝલક દેખાડી દીધી હતી. એટલે જ આ નવા રાજકીય કરિશ્માની નવી રોશનીનો ઝગમગાટ કરાચીથી ઇસ્લામાબાદ પહોંચે તે પહેલાં જ કટ્ટરવાદી તત્ત્વોએ પોતાનો મિજાજ દેખાડીને પાકિસ્તાન અને બેનઝીરના તરફેણદારોને ધ્રુજાવી નાખ્યા હતા.

પાકિસ્તાનનું ઝડપભેર તાલિબાનીકરણ થવા બેઠું છે. છેલ્લા ચાર મહિનામાં બનેલી હુમલા અને બૉમ્બ ધડાકાની 30 જેટલી ઘટનાઓમાં હજારથી વધુ લોકો હોમાયા છે. અત્યાર સુધી એવું ફલિત થતું આવ્યું છે કે વિશ્વમાં ગમે ત્યાં બનતી ત્રાસવાદી ઘટનાનું કંઈકને કંઈક પગેરું પાકિસ્તાનમાં નીકળતું હોય છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ અત્યાર લગી ભારત સહિત ઘણા દેશોને હેરાન કર્યા છે. પાકિસ્તાનના શાસકોએ જ ઉછેરેલા આ ત્રાસવાદી બિલાડાઓ હવે એમની જ સામે ઘુઘવાટા કરી રહ્યા છે. પોતાના જ દેશમાં લોહી વહેવડાવી રહ્યા છે. તેમાં તાલિબાની તાકાત અને આઈએસઆઈની માયાજાળનો ઉમેરો પણ છે.

મુશર્રફે છેલ્લાં નવ વર્ષથી ડબલ ઢોલકી જ વગાડયે રાખી છે. ત્રાસવાદના મુકાબલા માટે એક તરફ અમેરિકાની સાથે રહેવાનો દેખાવ કરીને પરોક્ષ રીતે જેહાદી ત્રાસવાદને પોષ્યો છે. સત્તા જાળવી રાખવા માટે મુશર્રફ કેટલી હદે જઈ શકે છે, એ આખી દુનિયા જાણે છે. મુશર્રફ પોતે પ્રજા ભરોસે હોવાનો દેખાવ કરતા ફરે છે પણ ખરેખર તો પ્રજાને એમણે અલ્લાહના ભરોસે છોડી દીધી છે.

લોહી વહેવડાવવાની વાત પાકિસ્તાન માટે નવી નથી, પરંતુ બેનઝીરના કાફલા પર જે રીતે હુમલા થયા તે પૂર્વઆયોજિત કાવતરા હોવાનું સ્પષ્ટ જણાય છે. કરાચીના માર્ગોપર બોમ્બ ધડાકા થયા તેના થોડા સમય પહેલાં જ ચેતવણી અપાઈ હતી પણ તંત્ર પૂરતું સાબદું થયું નહીં. એટલું જ નહીં પણ બેનઝીરના કાફલાને પસાર થવાના રસ્તાઓ પરની સ્ટ્રીટલાઇટ બંધ કરી દેવાઈ હતી. જ્યારે આજે તા. 27મી ડિસેમ્બરના ગુરૂવારના રોજ રાવલપિડીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બેનઝીરનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. આ હત્યા પાક પ્રમુખ મુશરર્ફે જ કરાવી હોવાનું લોકોનું માનવું છે.

કોના ઇશારે આવું થયું હશે? જે માર્ગોપર લાખો લોકો સ્વાગત માટે ઊભેલા હોય ત્યાં આવું શા માટે થાય? બેનઝીરની સલામતી માટે પોલીસની સાથે સાદા ડ્રેસમાં ગુપ્તચરતંત્રના માણસો પણ હતા જેના સૂત્રધાર બ્રિગેડિયર અહેઝાઝ શાહ હતા. આ માણસ આઈએસઆઈનો ભૂતપૂર્વ અધિકારી છે અને એનાથી યે વધુ તો મુશર્રફનો નજીકનો મિત્ર હોવાનું કહેવાય છે. એટલે બેનઝીર પર જીવલેણ હુમલો કરવા પાછળ ષડયંત્ર ગોઠવાયું હતુ તેવુ લાગે છે. ઝિયાના ટેકેદારોની સંડોવણીના પણ આક્ષેપો થયા છે.

પાકિસ્તાનમાં સન્નાટો છે. દહેશત અને ખોફની હવાઓ જમ્હુરિયતને જાણે ઢંઢોળી રહી છે. પહેલા કરાચીની ઘટના બેનઝીરને ડરાવવા કરી હતી અને હવે રાવલપિંડીની ઘટનાએ તેનો જીવ લઇ લીધો. નવાઝ શરીફને નસાડી મારનારાઓ માટે આ ઘટના બૂમરેન્ગ થાય તો નવાઈ નહીં.

એજન્સી|
પાકિસ્તાની અવામ પણ બદલાઈ રહી છે, મુશર્રફ પ્રત્યેની માનસિકતા પણ બદલાઈ રહી છે. અમેરિકાનું વલણ પણ બદલાઈ રહ્યું છે. બેનઝીરનું પાકિસ્તાનમાં આગમન અમેરિકાની મરજીથી થયું હતું. એટલે બોમ્બ ધડાકાઓની ઘટના જરૂર નવી સમસ્યાઓ ઊભી કરશે. બેનઝીર આવા ધડાકાના અવાજ સાંભળવા નહીં, રાજકીય ધડાકા કરવા કરાચી આવ્યાં હતાં. પરંતુ આજે તો તેઓ ખૂદ તેનો શિકાર થઇ ગયા છે.


આ પણ વાંચો :