જ્યાં રાક્ષસને કુળદેવતા માનીને પૂજાય છે ...
શું તે શક્ય છે કે રાક્ષસને જ કૂળ દેવતા માનીને તેની પૂજા અર્ચના કરવામાં આવે ? આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને એક એવા રાક્ષસના દર્શન કરાવવા જઈ રહ્યાં છીએ જેને ઘણાં શ્રધ્ધાળુઓ પોતાના કુળદેવતા માને છે. મહારાષ્ટ્રમાં આવેલ અહમદનગર જીલ્લાની પાર્થડી જીલ્લામાં ' નાંદુર નિંબાદૈત્ય ' નામના ગામમાં ભારતનું એકમાત્ર દૈત્ય મંદિર છે. અહીંયાના રહેવાસી નિંબાદૈત્ય નામના રાક્ષસની જ પૂજા કરે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ ગામની અંદર ભગવાન હનુમાનનું એક પણ મંદિર નથી અને કોઈ પણ વ્યક્તિ ભુલથી પણ હનુમાનનું નામ લેતી નથી. કહેવાય છે કે જ્યારે ભગવાન રામ તેમની પત્ની સીતાને શોધી રહ્યાં હતાં ત્યારે કેદારેશ્વરના વાલ્મિક ઋષિ પાસેથી ભેટ લેવા જતી વખતે તેઓ આ ગામની અંદર જંગલમાં રહ્યાં હતાં. ત્યારે નિંબાદૈત્ય રાક્ષસે તેમની ભાવપુર્વક પુજા કરી હતી અને તેમનો ભક્ત બની ગયો હતો. ત્યારે ભગવાન રામે તેમને વરદાન આપ્યું કે આ ગામની અંદર તારુ જ અસ્તિત્વ રહેશે અને અહીંયાના લોકો હનુમાનની પૂજા નહી કરે પરંતુ તારી જ પૂજા કરશે અને તને જ પોતાનો કુળદેવતા માનશે.
હનુમાન નામનો અહીંયા એટલો બધો પ્રકોપ છે કે ગામની અંદર કોઈનું પણ નામ હનુમાન કે મારૂતિ નથી રાખવામાં આવતું. કેમકે મારૂતિ પણ ભગવાન હનુમાનનું બીજુ નામ છે. અહીંયા સુધી કે બહારથી આવનાર વ્યક્તિનું નામ જો મારુતિ હોય તો તેને બદલીને જ તેને ગામની અંદર પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષક એકનાથ જનાર્દન પાલવેના મુજબ બે મહિના પુર્વે લાતુર જીલ્લામાંથી એક મારૂતિ નામનો મજુર કામ કરવા માટે આવ્યો હતો અને બે દિવસ બાદ તે સ્મશાનની નજીક જઈને ચિત્ર-વિચિત્ર અવાજો કરીને કુદાકુદ કરવા લાગ્યો હતો. ત્યારે ગામના રહેવાસીઓએ તેને દૈત્યના મંદિરે લઈ જઈને તેનું નામ બદલીને લક્ષ્મણ રાખ્યુ અને તે આશ્વર્યજનક રીતે સારો થઈ ગયો. આટલું જ નહી લોકો એક પ્રસિધ્ધ કંપનીની ચાર પૈડાની ગાડી પણ વાપરવી અપશુકનિયાળ માને છે. કારણકે કંપનીનુ નામ અને ભગવાન હનુમાનનુ નામ મળતુ આવે છે. ગામના ડોક્ટર દેશમુખે આ કંપનીની કાર ખરીદી ત્યારબાદ એવી પરિસ્થિતિ ઉભી થઈ કે તેમને એક જ અઠવાડિયામાં કાર વેચવી પડી. એકવાર શેરડીથી ભરેલી ટ્રક ખેતરમાં ફસાઈ ગઈ ત્યારે ઘણા પ્રયત્નો કરવા છતા પણ બહાર ન નીકળી શકી. જ્યારે ટ્રકની અંદર લગાવેલો હનુમાનજીનો ફોટો બહાર કાઢ્યો ત્યારે જ તે ટ્રક સરળતાથી બહાર નીકળી ગઈ. આ ગામના મોટાભાગના ઘરોમાંથી ઓછામાં ઓછો એક-એક સભ્ય કમાવવા માટે ગામની બહાર રહે છે, પરંતુ નિંબાદૈત્યની યાત્રાના સમયે બધા જ ગામમાં હાજર રહે છે. પોલીસ કોન્સટેબલ અવિનાશ ગર્જેના મુજબ યાત્રાના સમયે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતા કોઈ ને કોઈ ચમત્કાર ભક્તોને ગામમાં ખેંચી લાવે છે.
આ મંદિર હેમાડપંથી (ખુબ જ જુનુ) છે અને ગામમાં એકમાત્ર બે માળની ઈમારત છે. નિંબાદૈત્યને માનમા અહીંના રહેવાસી પોતે બે માળનુ મકાન બનાવવામાં વિશ્વાસ નથી કરતા. આ મંદિર સામે લગભગ 500 વર્ષ જૂનુ વડનું ઝાડ છે. દૈત્યના પ્રત્યે લોકોની શ્રધ્ધા એવી છે કે અહીંના દરેક મકાન, દુકાન અને વાહનો પર પણ 'નિંબાદૈત્ય કૃપા' લખેલુ જોવા મળે છે. કોઈ રાક્ષસ કદી કોઈનેઓ કુળ દેવતા હોઈ શકે આ વાત આશ્ચર્યજનક જરૂર છે પરંતુ છે હકીકત... તમે પણ આવી કોઈ ઘટના વિશે જાણતા હોય તો અમને જરૂર જણાવશો.