રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. સ્વાઇન ફ્લુ
Written By હરેશ સુથાર|

સ્વાઇન ફ્લુ : સાથે મળી કરીએ મુકાબલો

P.R
અમેરિકા, ચીન, જાપાન સહિતના દેશોને હચમચાવ્યા બાદ હવે સ્વાઇન ફ્લુ દેશમાં મોત બની ત્રાટક્યો છે. પૂના, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ તથા વડોદરામાં પોતાનો કાળો પરચો બતાવી આ મહામારીએ ચેતવણીનો ઘંટ વગાડ્યો છે.

એક પછી એક શહેરો, નગરો એના સકંજામાં આવતા જાય છે. લોકો આતંકવાદની જેમ સ્વાઇન ફ્લુથી ફફડી રહ્યા છે. ભય તથા અફવાનું બજાર ગરમાઇ રહ્યું છે. આ રોગ ભયાનક છે એ વાસ્તવિક છે પરંતુ આવા સમયે ધીરજ અને સાથે મળી આનો પડકાર કરવો એજ એક યોગ્ય ઉપાય છે.

છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ મોત થયા છે. સોમવારે સવારે પૂના, ચેન્નાઇ અને વડોદરામાં એક એક મોત થતાં મૃતકોનો આંકડો 10 થયો છે. ગુજરાતમાં રવિવારે સવારે એનઆરઆઇ પ્રવિણ પટેલના રૂપમાં સ્વાઇન ફ્લુએ કાળની શરૂઆત કરી હતી. ત્યારબાદ વડોદરામાં સાત વર્ષની બાળકી આર્યાએ આ રોગથી આજે દમ તોડ્યો છે.

ધીરે ધીરે આ રોગ પોતાનો પંજો ભારે કરી રહ્યો છે. આવા કટોકટીના સમયે હડબડાટીમાં આવ્યા વિના સૌ કોઇની ફરજ થઇ પડે છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા સુચનોનું પાલન કરવું. સાવચેતી એજ સ્વાઇન ફ્લુનો ઉપાય છે એ વાત વગાડી વગાડીને કાનમાં ઉતારવી જરૂરી છે.

* મેક્સિકોમાં સૌ પ્રથમ 18મી માર્ચે પ્રકાશમાં આવેલ એચ1એન1 વાયરસ ભારતમાં 29મી મેના રોજ દેખાયો હતો. જોકે ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ વાયરસ કમજોર પડ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આમ ખોટો ભય ફેલાવ્યા વિના આ મહામારી અંગે સાવચેતી એ જ સાચો ઉપાય છે.

* જાહેર સ્થળો એ કે ભીડવાળા વિસ્તારોમાં જવું ટાળવું. જો જવું જ પડે તો મોં ઉપર માસ્ક લગાવવો તથા બિન જરૂરી કોઇના સંપર્કમાં ન આવવું.
* આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોય ખાસ તકેદારી રાખવી.
* દિવસમાં એકથી વધુ વાર સાબુથી હાથ ધોવા. જ્યારે પણ બહારથી ઘરમાં કે ઓફિસમાં આવો ત્યારે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
* શક્ય હોય તો આવા સમયમાં કામ વગર ઘરની બહાર નીકળવું નહીં અને સિનેમા કે મોલમાં જવાનું ટાળવું.
* શરદી, ઉધરસ, તાવ અને માથું દુખવાની બિમારી જણાય તો તુરંત હોસ્પિટલમાં જઇ તપાસ કરવવી.