રશ્મિ દેસાઈએ ‘સયોની’થી કમબેક અંગે તોડી ચુપ્પી, સરગુન મહેતા અને રવિ દુબે વિશે કરી દિલની વાત
sayoni
સ્ટાર પ્લસ ટૂંક સમયમાં દર્શકો માટે પોતાનો નવો શો ‘સયોની’ લઈને આવી રહ્યું છે. આ શોમાં રશ્મિ દેસાઈ ‘માયા’ના દમદાર પાત્રમાં જોવા મળશે. તેની સાથે જાન્હવી સોની ‘સાનવી’ના રોલમાં અને ગૌતમ સિંહ વિગ, સાનવીના જીવનમાં આવનાર નવા સાથીની ભૂમિકામાં જોવા મળશે. શોના પ્રોમોએ માયા, સાનવી અને તેમના જીવનમાં આવનારા બદલાવને લઈને દર્શકોની ઉત્સુકતા વધારી છે. સાથે જ રશ્મિની ટેલિવિઝન પર વાપસીએ આ શોને લઈને લોકોનો ઉત્સાહ પણ વધારી દીધો છે.
શોના પ્રસારણ પહેલાં રશ્મિએ નિર્માતા સરગુન મહેતા અને રવિ દુબે સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી. તેણે બંનેને ‘કમાલના’ ગણાવતા કહ્યું કે તેમની સાથે કામ કરતી વખતે તેને ઘર જેવું લાગે છે. રશ્મિએ એ પણ જણાવ્યું કે પાછલાં કેટલાંક વર્ષોમાં કામ પ્રત્યેનો તેનો અભિગમ કેવી રીતે બદલાયો છે અને આખરે તેને કેમ લાગ્યું કે ‘સયોની’ તેના માટે યોગ્ય પ્રોજેક્ટ છે.
રશ્મિ દેસાઈએ કહ્યું, “મને મારા કામ સાથે પ્રેમ છે, મારી સફર સાથે પ્રેમ છે અને સેટ પર રહેવું મને ખૂબ ગમે છે. હવે હું પહેલાં કરતાં વધુ શિસ્તબદ્ધ અને મારા કામ પ્રત્યે વધુ એકાગ્ર બની છું. અનુભવ વધવાની સાથે મને લાગે છે કે હવે હું પહેલાં કરતાં પણ વધુ સારું કામ કરી શકું છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે હું કયા લોકો સાથે કામ કરી રહી છું. મારા દિગ્દર્શક અને નિર્માતા સરગુન અને રવિ વિશે મને લાગે છે કે તેઓ ખરેખર કમાલના છે.”
તેણે આગળ કહ્યું, “સરગુન અને રવિ નિર્માતા તરીકે ટેલિવિઝન પર ખૂબ સારું કામ કરી રહ્યાં છે અને ઉત્તમ બેલાવત પણ એક ઉત્તમ દિગ્દર્શક છે. ઘણી વખત પડદા પાછળ કામ કરતા લોકોને દર્શકો ઓળખતા નથી, જ્યારે તમારા કામને યોગ્ય દર્શકો સુધી પહોંચાડવામાં તેમની સૌથી મોટી ભૂમિકા હોય છે. ઉત્તમ આ શોની ધડકન છે અને સરગુન તથા રવિ સાથે કામ કરતાં મને ઘર જેવું લાગે છે. મને લાગ્યું કે આવા શાનદાર લોકો સાથે કામ કરવું મારા જીવનનો એક નવો અને મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે. તેથી મેં તરત જ આ સફરનો ભાગ બનવાનો નિર્ણય લીધો. મને લાગે છે કે આ મારા માટે સૌથી સારો નિર્ણય છે. સારું થયું કે મેં આટલો લાંબો સમય રાહ જોઈ. પોતાની લાગણીઓ પ્રત્યે પ્રામાણિક રહેવું પણ જરૂરી છે, કારણ કે મેં ક્યારેય ઉતાવળમાં કોઈ નિર્ણય લીધો નથી.”
‘સયોની’માં રશ્મિ દેસાઈ, જાન્હવી સોની અને ગૌતમ સિંહ વિગ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ શો 23 સપ્ટેમ્બરથી દરરોજ સાંજે 7:30 વાગ્યે સ્ટાર પ્લસ અને જિયોહોટસ્ટાર પર પ્રસારિત થશે.
