મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:34 IST)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડને આપશે અબજો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 23 મોટા પ્રોજેક્ટની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે ઉત્તરાખંડના હલ્દ્વાનીની મુલાકાત લેશે. તેઓ  17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ 23 પરિયોજનાઓમાં 14100 કરોડથી વધુની 17 પરિયોજનાઓ માટે ભૂમિપૂજન કરાશે. આ પરિયોજનાઓ સમગ્ર રાજ્યમાં વ્યાપક ક્ષેત્રો/વિસ્તારોને આવરી લે છે જેમાં સિંચાઈ, માર્ગ, આવાસ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સેનિટેશન, પીવાનાં પાણી પુરવઠા ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં બહુવિધ માર્ગ પહોળા કરવાની પરિયોજનાઓ, પિથૌરગઢમાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને નૈનિતાલમાં ગટરવ્યવસ્થા નેટવર્ક સુધારવાની પરિયોજનાઓ સહિત છ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન થનારી આ પરિયોજનાઓનો એકંદર કુલ ખર્ચ  3400 કરોડથી વધુનો છે.
 
પ્રધાનમંત્રી ₹ 5750 કરોડના ખર્ચે નિર્મિત થનાર લખવર બહુહેતુક પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાની 1976માં પહેલી વાર કલ્પના કરવામાં આવી હતી અને ઘણાં વર્ષોથી પડતર હતી. આ પરિયોજનાનાં થનારાં ભૂમિપૂજન પાછળની શક્તિ એ લાંબા સમયથી પડતર પરિયોજનાઓને અગ્રતા આપવાનું પ્રધાનમંત્રીનું વિઝન છે. રાષ્ટ્રીય મહત્તાની આ પરિયોજનાથી આશરે 34000 હૅક્ટર વધારાની ભૂમિને સિંચાઇ મળશે, 300 મેગાવૉટ હાઇડ્રો પાવર ઉત્પાદન થશે અને છ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનને પીવાનું પાણી પૂરું પાડશે. દેશના દૂર-સુદૂરના વિસ્તારો માં કનેક્ટિવિટી સુધારવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ, ₹ 8700 કરોડના ખર્ચની બહુવિધ માર્ગ ક્ષેત્રની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે.
 
જે પરિયોજનાઓનો શિલાન્યાસ થવાનો છે એમાં ₹ 4000 કરોડના ખર્ચે નિર્માણ થનાર 85 કિમીના મોરાદાબાદ-કાશીપુર રોડને ચાર માર્ગીય કરવો, ગદરપુર-દિનેશપુર-મડકોટા-હલ્દ્વાની રોડ (રાજ્ય ધોરીમાર્ગ-5)ના 22 કિમીના પટ્ટાને દ્વિમાર્ગીય અને કિચ્ચાથી પંતનગર (રાજ્ય ધોરીમાર્ગ-44)ના 18 કિમીના પટ્ટાને દ્વિમાર્ગીય કરવા; ઉધમસિંહનગરમાં 8 કિમી લાંબો ખાતિમા બાયપાસનું નિર્માણ; ₹ 175 કરોડના ખર્ચે ફોર લેન નેશનલ હાઇવે (એનએચ109ડી)ના નિર્માણનો સમાવેશ થાય છે. આ માર્ગ પરિયોજનાઓથી ગઢવાલ, કુમાઉં અને તેરાઈ પ્રદેશની કનેક્ટિવિટી સુધરશે અને ઉત્તરાખંડ અને નેપાળ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે. સુધરેલી કનેક્ટિવિટીથી જિમ કૉર્બેટ નેશનલ પાર્ક જવાની ક્ષમતા સુધરવા ઉપરાંત રુદ્રપુર અને લાલકુંઆના ઔદ્યોગિક વિસ્તારોને પણ લાભ થશે.
 
વધુમાં, સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બહુવિધ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પરિયોજનાઓમાં ₹ 625 કરોડથી વધુના ખર્ચે કુલ 1157 કિલોમીટરની લંબાઇના 133 ગ્રામીણ માર્ગો બિછાવવા અને ₹ 450 કરોડના ખર્ચે 151 પુલો બાંધવાનો સમાવેશ થાય છે.
 
પ્રધાનમંત્રી દ્વારા જે માર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન થવાનું છે એમાં ₹ 2500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત નગિનાથી કાશીપુર (રાષ્ટ્રીય રાજમાર્ગ-74) 99 કિલોમીટર માર્ગ વિસ્તૃતીકરણની પરિયોજના અને ₹ 780 કરોડના ખર્ચે નિર્મિત બારમાસી માર્ગ પરિયોજના હેઠળ વ્યૂહાત્મક તનકપુર-પિથૌરગઢ રોડ (રાષ્ટ્રીય રાજમાર્ગ 125) માં ત્રણ પટ્ટાઓ પર રસ્તો પહોળો કરવાની પરિયોજનાઓનો સમાવેશ થાય છે. આ ત્રણ પટ્ટા ચ્યુરાનીથી અંચોલી (32 કિલોમીટર), બિલ્ખેતથી ચંપાવત (29 કિલોમીટર) અને તિલોનથી ચ્યુરાની (28 કિલોમીટર‌) છે. માર્ગ પહોળા કરવાની આ પરિયોજનાઓથી દૂરના વિસ્તારોની કનેક્ટિવિટી સુધરશે એટલું જ નહીં પણ પર્યટન, ઔદ્યોગિક અને વાણિજ્ય પ્રવૃત્તિઓને પણ પ્રદેશમાં વેગ મળશે. વ્યૂહાત્મક તનકપુર-પિથૌરગઢ માર્ગને હવે બારમાસી કનેક્ટિવિટી રહેશે જેનાથી સૈન્યની સીમા વિસ્તારોમાં હેરફેર નિર્વિઘ્ને થશે અને કૈલાશ માનસરોવર યાત્રા માટે પણ કનેક્ટિવિટી સુધરશે.
 
રાજ્યના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવા અને દેશના તમામ ભાગોમાં લોકોને વિશ્વ સ્તરીય તબીબી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસમાં, પ્રધાનમંત્રી ઉધમ સિંહ નગર જિલ્લામાં એઈમ્સ ઋષિકેશ સેટેલાઇટ સેન્ટર અને પિથૌરગઢ ખાતે જગજીવન રામ સરકારી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કરશે. આ બેઉ હૉસ્પિટલો અનુક્રમે ₹, 500 કરોડ અને ₹ 400 કરોડના ખર્ચે બંધાઇ રહી છે. સુધારેલી મેડિકલ સુવિધાઓથી કુમાઉં અને તેરાઇ પ્રદેશના લોકોને લાભ થશે એટલું જ નહીં પણ ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોને પણ લાભ થશે.પ્રધાનમંત્રી ઉધમ સિંહ નગર જિલ્લાના સિતારગંજ અને કાશીપુરના શહેરોમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે આશરે 2400 ઘરોનાં બાંધકામ માટેનો શિલાન્યાસ કરશે. આ ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ₹ 170 કરોડથી વધુના કુલ ખર્ચે બાંધવામાં આવશે.
 
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણી પુરવઠો સુધારવા પ્રધાનમંત્રી રાજ્યના 13 જિલ્લાઓમાં 73 જેટલી પાણી પુરવઠાની યોજનાઓનો શિલાન્યાસ જલ જીવન મિશન હેઠળ કરશે. આ યોજનાઓનો સંચિત ખર્ચ આશરે ₹ 1250 કરોડ છે અને એનાથી રાજ્યના 1.3 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને લાભ થશે. વધુમાં, હરિદ્વાર અને નૈનિતાલના શહેરી વિસ્તારોમાં નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, પ્રધાનમંત્રી આ બે શહેરો માટેની પાણી પુરવઠાની યોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. આ યોજનાઓ હરિદ્વારમાં આશરે 14500 જોડાણો અને હલ્દ્વાનીમાં 2400થી વધુ જોડાણો પૂરાં પાડશે જેનાથી હરિદ્વારની આશરે એક લાખની વસ્તીને અને હલ્દ્વાનીની આશરે 12000ની વસ્તીને લાભ થશે.
 
પ્રદેશની વારસાગત સંભાવનાઓ શોધવા માટે નવા માર્ગ સર્જવાના પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ, કાશીપુરમાં 41 એકરના અરોમા પાર્ક અને 40 એકર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રિઅલ પાર્કનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. આ બે પરિયોજનાઓ સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઉત્તરાખંડ લિમિટેડ (એસઆઇઆઇડીસીયુએલ) દ્વારા આશરે ₹ 100 કરોડના કુલ ખર્ચે વિકસાવવામાં આવશે. અરોમા પાર્ક ઉત્તરાખંડની એની બેજોડ ભૌગોલિક સ્થિતિને કારણે ફૂલની ખેતીની વૃદ્ધિની અપાર સંભાવનાઓને ઉપયોગમાં લેશે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રિઅલ પાર્ક રાજ્યનાં ઔદ્યોગિક કૌશલ્યને સ્થાપિત કરવાનું અને લોકો માટે રોજગારની તકો સર્જવાનું એક પગલું હશે.
 
પ્રધાનમંત્રી નૈનિતાલના રામનગર ખાતે આશરે ₹ 50 કરોડના ખર્ચે બંધાયેલા 7 એમએલડી અને 1.5 એમએલડીની ક્ષમતાના બે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. ઉધમસિંહ નગરમાં આશરે ₹ 200 કરોડના ખર્ચે બંધાનારા નવ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) અને નૈનિતાલમાં ગટરવ્યવસ્થાને સુધારવાની એક ₹ 78 કરોડની પરિયોજનાનું પણ પ્રધાનમંત્રી ભૂમિપૂજન કરશે.
 
પ્રધાનમંત્રી પિથૌરગઢ જિલ્લામાં મુંશ્યારી ખાતે આશરે ₹ 50 કરોડના ખર્ચે બંધાયેલા ઉત્તરાખંડ જલ વિદ્યુત નિગમ (યુજેવીએન) દ્વારા નિર્મિત રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના 6 મેગાવૉટની ક્ષમતાના સુરિંગડ-2નું પણ ઉદ્ઘાટન કરશે.