લઘુ ઉદ્યોગના પતંગને મળશે હવા

અમદાવાદ| વેબ દુનિયા|

રાજ્યમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ 2009થી રાજ્યના લઘુ ઉદ્યોગનો પતંગ હવામાં લહેરાશે. આ અંગે મુખ્‍ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્‍યું હતું કે, સમિટ 2009ના સેકટર પ્રોફાઇલ્‍સમાં લધુ-મધ્‍યમ ઔઘોગિક એકમોને કેન્‍દ્રવર્તી સ્‍થાન આપ્‍યું છે. મેન્‍યુફેકચરીંગ અને ઇજનેરી કૌશલ્‍યના નાના ઉઘોગોના વિકાસમાં નવો પ્રાણ આવશે. મંદીના વાતાવરણમાં મોટા ઉઘોગોને મદદરૂપ થવાનો અવસર પણ પ્રાપ્ત થશે. ઝીરો ડિફેકટ અને કવોલિટી અપગ્રેડેશન માટે નાના ઉઘોગોને માટેનું વિધેયાત્‍મક વાતાવરણ આ સમિટથી મળી રહેશે.

તેમણે કહ્યું હતું કે, આ સમિટ 2009નો ઉદ્દેશ રાજ્‍યમાં મૂડીરોકાણના લક્ષ્યાંકોને પાર પાડવાનો નથી. અગાઉ ત્રણેય દ્વિવાર્ષિક સમિટમાં પણ ‘સમજુતિના કરાર કે મૂડીરોકાણના કોઇ જ લક્ષ્યાંકો રાખવામાં આવ્‍યા જ નહોતા. આ સરકાર સ્‍પષ્‍ટપણે માને છે કે, સાચી નીતિ અને સાફ નિયતનું પ્રશાસન હોય તો વિકાસ માટેનું શ્રેષ્‍ઠ વાતાવરણ સર્જાયા વગર રહે નહીં અને ગુજરાતે આ દ્રષ્‍ટાંત પુરું પાડયું છે.
ગુજરાત સરકારે વૈશ્વિકરણ અને પરિવર્તનશીલ આર્થિક પ્રવાહોને સમયસર પારખીને, નવી ઉઘોગ નીતિ, નવી વીજ ઉત્‍પાદન નીતિ અને નવી સૌરઊર્જા નીતિ જાહેર કરી છે. આ નીતિઓના ઉદ્દેશો ગુજરાતના દૂરોગામી વિકાસ વ્‍યૂહની સાથે સુસંગત છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું. સમિટ-2009 દ્વારા ગુજરાત ‘‘વિકાસનું શ્રેષ્‍ઠ વાતાવરણ'' ધરાવે છે તેની સૌને અનુભૂતિ થશે. પરિણામે રોજગારલક્ષી તકો અને રોજગારી-નિર્માણનો નવો અધ્‍યાય શરૂ થવાનો છે એવો તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતનો 1600 કિ.મી.નો દરિયાકાંઠો ભારતની સમૃધ્ધિ માટે વિશ્વ વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યો છે. ન્‍યુ ગુજરાત વિધીન ગુજરાત આકાર લઇ રહ્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્‍ય મંત્રીએ જણાવ્‍યું કે, ‘વિકાસમાં જનભાગીદારી' અને ‘નીતિ આધારીત વિકાસ'ના નવા આયામો સફળતાથી સાકાર થયા છે. ‘‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ'' મંત્ર સાર્થક થઇ રહ્યો છે. લક્ષનું મોડેલ વિઝન પુરું પાડીને ગુજરાત હવે એક ડગલું આગળ મુકવા પ્રતિબદ્ધ છે.
ગુજરાત તેની સુવર્ણ જયંતિના અવસર તરફ ગતિમાન બન્‍યું છે ત્‍યારે આ સમિટની ગ્‍લોબલ ઇવેન્‍ટ, ગુજરાતના વિકાસની અસીમ સંભાવના ધરાવતા નવા ક્ષેત્રો અને પ્રદેશોના સર્વસમાવેશક વિકાસ માટેની નવી દિશા ખોલશે.


આ પણ વાંચો :