સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By

પતંગનો આવો ઉપયોગ ?... ના હોય ! પતંગોનો ઈતિહાસ જાણો

પતંગોનો ઈતિહાસ જાણો

- અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.

- છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.

- સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.

- 1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.

- ઈ.સ. 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણાતામાન નોંધવાની કોશિશ કરી હતી.

- 1907માં ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

- ઈ.સ. 1800ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.

- એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.

- વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ર્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.

- ઈ.સ. 900માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો.

- ઈ.સ. 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.

- એક અમેરિકને 1810માં 24 હજાર ફૂટ ઊંચે આકાશમાં પતંગ ચગાવી બતાવ્યો હતો અને તેના પરથી એક વિજ્ઞાનિક સંશોધન કરી ઉપયોગી તારણો કાઢ્યાં હતાં.
P.R


- વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી.

- પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવ્યો હતો.

- ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.

- ચીનના તીઆન જિલ નામના એક પતંગ ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.

- પતંગનો અદ્ભુત, વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ્સ સાથે માણવો - જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલ ‘કાઇટ મ્યુઝિયમ’ની મુલાકાત લેવી પડે.

- પતંગનો ઉપયોગ માનવજાતિના વિકાસ માટે થતો રહ્યો છે. માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, ઉપરાંત હવામાન જાણવા, ફોટોગ્રાફી કરવા પતંગનો ઉપયોગ થયો છે. ઇતિહાસના ખેરખાંઓ તો કહે છે કે ઇજિપ્તના પિરામિડ બાંધવા મોટા મોટા પથ્થરોને ઊંચાઈ પર લઈ જવા પતંગનો ઉપયોગ થયો હતો. આજે સમય જતાં જેમ જેમ ટેક્નોલોજી વિકસી છે તેમ તેમ પતંગનો ઉપયોગ હવે માત્ર શોખ પૂરતો મર્યાદિત થઈ ગયો છે.