મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By

વસંત પંચમી વ્રત-ઉપાસના - જાણો વસંતઋતુનુ ધાર્મિક મહત્વ

saraswati
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:


 

ૐ શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં

વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્


વસંત પંચમીનું વ્રત કરનારને ઉપરોક્ત શ્લોક બોલીને બે હાથ જોડીને તેનું શ્રવણ કરવું. મંત્ર પૂર્ણ થયા પછી આરતી ઉતારી પ્રસાદ ધરાવવો અને ભગવાન વિષ્ણુને કે ઇષ્ટદેવને વારંવાર વંદન કરવા. બ્રાહ્મણોનું અર્ચન-પૂજન કરી તેમને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા રાત્રે વસંત પંચમી વ્રત-મહિમા સાંભળવો અને ભજન કીર્તન કરવાં.

વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.

વૃક્ષ-વનસ્પતિમાં નવું ચેતન ઊભરાય છે, ડાળી ડાળીએ નવું જીવન રેડાય છે. લીલા પર્ણો ફૂટે છે, આમ્રવૃક્ષોનો ઉત્સાહ સમાતો નથી. વૃક્ષોમાં પણ જીવ છે. વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે. વસંતઋતુના કામણ પણ અજબ હોય છે. રૂપ, રસ, રંગ, સુગંધ, પંચમસ્વર વગેરેની વસંત પંચમીના દિવસે રંગત જામે છે. ઉત્સવ-સમૈયાનું આયોજન કરવામાં આવે છે. ઋતુરાજ વસંતનો વિજય થાય છે. ભલભલા મુનિવર્યોને કે મુનિવરોને વસંતે પીગળાવી નાંખ્યાં છે.

હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનો તપોભંગ કરવા કામદેવને વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો! પાંડુરાજા કુંતા અને માદ્વી સાથે વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરે છે ત્યારે કુંતાજી કંઈ કારણસર બહાર ગયા હોય છે. માદ્વીએ ઝીણાં વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હોય છે. વસંત ઋતુનું આગમન થયું હોય અને કામદેવનો નહિ પણ વસંતનો વિજય થાય છે. પાંડુરાજા અને માદ્વીનું નૈતિક સ્ખલન થાય છે અને ઋષિના શાપને લીધે મૃત્યુને ભેટે છે.

વસંત પંચમીના રોજ વ્રતધારીએ ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વક પૂજા કરી, સુંદર વસ્ત્રો પરિધાન કરી, ભગવાનને નૈવેદ્ય ધરાવી, સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી રાજી કરવા. વસંત પંચમીના વ્રત-વિધિનું અનેરું, અનોખું અને અલૌકિક માહાત્મ્ય છે.