મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. જાગૃત મતદાર
Written By
Last Updated : શુક્રવાર, 15 માર્ચ 2024 (13:55 IST)

આચારસંહિતા એટલે શું? લાગુ થયા બાદ શું ન કરી શકાય

આચારસંહિતા (Code of Conduct) 
 
આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે.
 
ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.
 
આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે.
 
આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે.
 
જોકે આચારસંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની સહમતીથી બનાવવામાં આવી છે.
 
જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે.
 
 
આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે?
આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે દુરુપયોગ ન કરી શકે.
 
આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ.
 
જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે.
 
 
Code of Conduct આચારસંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય?
આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.
 
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેર સરકારી ખર્ચે આપી શકાતી નથી.
સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.
ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.
 
આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય
કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે.
 
સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત નહીં માગી શકે.
 
જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.
 
તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.
 
સોશિયલ મીડિયા પર થતા પ્રચાર પર આચારસંહિતા લાગુ થાય છે?
સોશિયલ મીડિયા દ્વારા થતા પ્રચાર પર પણ આચારસંહિતા લાગુ હોય છે. સોશિયલ મીડિયા પર થતા પ્રચારનો ખર્ચ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબમાં જોડવામાં આવે છે.
 
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તેની જાણકારી આપવાની રહેશે.
 
ચૂંટણીપંચ પરવાનગી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે.
 
ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારનો ખર્ચનો હિસાબ આપવાનો રહે છે.
 
જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે. જોકે એ ચૂંટણીપંચ પર નિર્ભર છે કે તે આચારસંહિતાનો અમલ કેટલી કડકાઈથી કરાવી શકે છે.

Edited By-Monica sahu