રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 5 માર્ચ 2019 (22:48 IST)

Women's Day -ગુજરાતમાં સેક્સ રેશિયોમાં સ્ત્રીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો

ગુજરાત સરકાર દ્વારા મહિલા દિનની ઉજવણી અંગે પ્રચાર તેમજ જાહેરાતો કરાઇ રહી છે પરંતુ ગુજરાતમાં જ સેક્સ રેશિયોમાં સ્ત્રીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. પુરૂષોની સંખ્યા સામે મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. 8 માર્ચે રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી જે પણ દીકરી જન્મ લેશે એને સીએમ પોતે એક ચાંદીનો સિકકો મીઠાઈ અને ગુલાબનું ફૂલ અને એક કિટ જેમાં એક કીટ જેમાં નાની બાળકી અને તેની માતા ને જરૂરી તમામ વસ્તુ આપવામાં આવશે.

સીએમ અમદાવાદ હોસ્પિટલ અને નીતિન પટેલ સોલા સિવિલ જશે અને કેબિનેટ મિનિસ્ટર અલગ અલગ વિસ્તારની હોસ્પિટલ ખાતે જશે. આ પ્રકારની ઉજવણીની જરૂરિયાત વચ્ચે સ્ત્રી રેશિયામાં ઘટાડો એ ચિંતાનો વિષય છે. ગુજરાત સહિત દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે  પરંતુ આ ઉજવણી વચ્ચે ગુજરાતમાં સેક્સ રેશિયોના આંકડાઓએ સમાજનો વાસ્તવિક ચહેરો ઉઘાડો પાડ્યો છે. ગુજરાતમાં દર 1,000 પુરૂષોની સામે એક સમયે 914 જેટલી મહિલાઓ હતી જ્યારે હાલના સંજોગોમાં આ સંખ્યા ઘટીને 848 સુધી પહોંચી છે તેમાં પણ ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યના ગ્રામીણ વિસ્તારો કરતા શહેરોમાં જાહેર થયેલા આંકડાઓ તો આનાથી પણ ઘણા નીચા જોવા મળે છે. રાજ્યના મહાનગરોની જો વાત કરીએ તો દર 1,000 પુરૂષોએ જૂનાગઢમાં સૌથી ઓછી સ્ત્રીઓ 607 છે ત્યાર બાદ અમદાવાદમાં 743, વડોદરામાં 775, ગાંધીનગરમાં 794,  રાજકોટમાં 806, ભાવનગરમાં 821, સુરતમાં 843 અને જામનગરમાં કંઇક સન્માનજનક સંખ્યા 876 છે. સ્ત્રીઓના જન્મ દરના આ આંકડાઓમાં જે ઘટાડો નોંધાયો છે તેની પાછળનું સૌથી મોટું કારણ સમાજની દીકરીને બોજ માનવાની માનસિકતા છે. બીજી તરફ શહેરી વિસ્તારના દંપતિઓ પણ ફક્ત એક જ પુત્ર સાથેનો નાનો પરિવાર હોય તેવી માનસિકતા ધરાવે છે. જેના કારણે સ્ત્રીઓની સંખ્યા સતત ઘટી રહી છે તો ગર્ભ પરિક્ષણ દ્વારા પુત્રીઓને ગર્ભમાં જ મારી નાંખવામાં આવે છે. જો કે આ મામલે 2002 થી અત્યાર સુધી રાજ્યમાં 444 ગુનાઓ પણ નોંધાયા હોવાની કબૂલાત આરોગ્ય સચિવ કરી રહ્યા છે. સરકારના અનેક પ્રયાસો છતાં મહિલા જન્મ દરની સંખ્યામાં વધારો થવાના બદલે ઘટાડો જ થઇ રહ્યો છે બીજી તરફ મહિલા દિને નારીની પૂજા કરનાર સમાજે પણ દેખાડાને બદલે ખરા અર્થમાં તેની વિચારસરણીમાં સુધારો લાવવો જરૂરી છે.