ભારતની પ્રથમ મહિલા ફાયર ફાઇટર

હરસિની કાંહેન્કર સાથે એક મુલાકાત

W.D

આજના સ્પર્ધાત્મક યુગમાં ઘણા ખરા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. હજું પણ એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં નારી પોતાની છાપ ઉપસાવી શકી નથી. નાગપુરની હરસિની કાંહેનકરે પણ પુરૂષ આધિપત્યવાળા આવા જ એક ક્ષેત્રમાં કદમ રાખી મહિલાઓને એક નવો રાહ ચીંધ્યો છે. તો આવો આજના મહિલા દિવસે આ હોનહાર મહિલાની પડકારજનક કારકિર્દીથી વાકેફ થઇ પ્રેરણા લઇએ.....

જેનું નામ સાંભળતાં સૌના ધબકારા વધી જાય છે એવા ફાયર એન્ડ સેફ્ટી ક્ષેત્રમાં કાચા પોચા પુરૂષોનું પણ ગજુ નથી ચાલતું ત્યાં વળી મહિલાઓની તો વાત જ ક્યાં કરવી. પરંતુ નાગપુરની એક હોનહાર યુવતી હરસિની કાંહેનકરે આ ક્ષેત્રમાં એન્ટ્રી મારી ભારતની પ્રથમ મહિલા ફાયર ફાઇટર બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. સાથોસાથ તેણીએ આ ક્ષેત્રમાં આવવા માટે મહિલાઓ માટે નવો રાહ ખોલ્યો છે.

હાલમાં ઓ.એન.જી.સીમાં મહેસાણા ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હિંમતવા હરસિની કાંહેન્કરે (H.K) મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ વેબદુનિયા (WD)ને આપેલી મુલાકાતના અંશ.

WD - જે શબ્દથી છોકરીઓ દુર ભાગે છે એવા આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા ?
HK : એન.સી.સીમાં હતી ત્યારથી જ મને યુનિફોર્મનો ભારે ક્રેઝ હતો. એ સમયથી જ મનમાં નક્કી કર્યું હતું કે આવા જ કોઇ ક્ષેત્રમાં કારકિર્દી બનાવીશ. આ વિચારથી જ ફાયર એંજિનિયરીંગમાં જોડાઇ હતી. જો આમાં સફળ ના થઇ હોત તો એરફોર્સમાં જોડાઇ હોત.

WD : પુરૂષોના આધિપત્યવાળા આ ફિલ્ડમાં આવતાં તમને શુ લાગ્યું ?
HK : નાગપુર સ્થિત ફાયર એંજિનિયરીંગની કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે આ કોલેજમાં કોઇ છોકરી ન હતી. હું પ્રથમ નસીબદાર હતી કે આ કોલેજમાં દાખલ થઇ. હોસ્ટેલમાં પણ બધા જ છોકરાઓ હતા. શરૂઆતમાં થોડું અતડું લાગતું હતું પરંતુ બાદમાં સૌએ સહકાર આપતાં ગોઠવાઇ ગઇ હતી.

WD : એક સ્ત્રી તરીકે ફાયર ફાયટરનું કામ કઠીન નથી લાગતું ?
HK :ના, સહેજ પણ નહીં. જે ક્ષેત્રથી તમે અજાણ હો એ તમને જરૂર કઠીન લાગે છે. પરંતુ ત્યાં દાખલ થાવ પછી એ કામ ડાબા હાથનો ખેલ બની જાય છે. મને પણ શરૂઆતમાં એવું જ લાગતું હતું પરંતુ તાલીમ બાદ હવે આ સામાન્ય લાગે છે. સાથોસાથ ફરજનો આનંદ પણ આવે છે.

WD :તમે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે પરિવારે વિરોધ કર્યો હતો ?
HK :બી.એસ.સી બાદ એક સારી કોલેજમાં મેં એમ.બી.એમાં પ્રવેશ પણ લીધો હતો. સાથોસાથ મેં ફાયરમાં પણ એપ્લાય કર્યું હતું. અહીં મને પ્રવેશ મળતાં મેં પરિવારને આ વાત જણાવતાં સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા કે એક છોકરી થઇ તું આ લાઇનમાં કેવી રીતે કામ કરી શકીશ. બાદમાં સૌએ મને રજા આપી હતી જે ક્ષણ મારા માટે યાદગાર રૂપ છે.

WD :મહિલાઓને આપ શું સંદેશો આપશ
હરેશ સુથાર|
HK :હું એટલું જ કહેવા માગું છું. ફાયર શબ્દ જેટલો ડરામણો છે એટલું આ ક્ષેત્ર કઠીન નથી. મહિલાઓએ આ ક્ષેત્રમાં પણ આવવું જોઇએ. ફાયર એન્ડ સેફટીમાં આજે સારી તકો રહેલી છે સાથોસાથ વિપરીત પરિસ્થિતિમાં કોઇને ઉગારવાનો મોકો પણ મળે છે.


આ પણ વાંચો :