સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શુક્રવાર, 3 મે 2024 (12:12 IST)

કોંગ્રેસના પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વીડિયો વાયરલઃ ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી

Ex-MLA Indranil Rajyaguru
Ex-MLA Indranil Rajyaguru
 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી તેવું સંબોધન કરી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
 
ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી એવું વાક્ય બોલ્યા
વાયરલ વીડિયોમાં ઈન્દ્રનીલ બોલી રહ્યા છે કે, આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં જો બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે, સચ્ચાઈનાં રસ્તે છે, ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી. આ માણસ તો સંપૂર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે. તેમને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે જ અબજો રૂપિયા વાપરી નાખ્યા, આમ છતાં તેઓ અડગ રહીને લડ્યા છે. આજે દેશ તેમને સ્વીકારે છે કે, માણસ બરાબર છે. નરેન્દ્ર મોદી બફાટ કરે તેનાથી કોઈને કઈ ફરક પડતો નથી. પરંતુ રાહુલ ગાંધી એમ કહે કે, NDA સરકાર બનતી નથી અને 200થી વધુ બેઠક તેઓને નહીં મળે ત્યારે તેમાં કાંઈક તથ્ય હશે.
 
પ્રતિક્રિયા આપતા કહ્યું લુચ્ચાઈનો પર્યાય શબ્દ એટલે ચતુરાઈ છે
વાયરલ વીડિયો અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા તો આનંદનો વિષય છે કે, ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે. અંગ્રેજો સામે જે નીડરતાથી ગાંધીજી લડ્યા હતા રાહુલ ગાંધી ભાજપ સામે લડી રહ્યા છે. ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરના સબંધો અને શબ્દોને ટાંકીને લખાયેલા ઇતિહાસમાંથી મેં નિવેદન આપ્યું હતું. લુચ્ચાઈનો પર્યાય શબ્દ એટલે ચતુરાઈ છે. લોકશાહી બચાવવા માટે રાહુલ ગાંધી લડી રહ્યા છે એ જોતા આવતા દિવસોમાં લોકો રાહુલ ગાંધીમાં ગાંધીજી જોશે.મેં મારા શબ્દો ઉમેર્યા નથી. ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઇસ્યુ થયા હતા. રાહુલજીને પણ થાય છે. પરંતુ દેશ હિતની વાત આવે ત્યારે બન્ને પક્ષાપક્ષીથી દૂર રહી દ્રઢતા, અહિંસા અને હિંમતથી કરનારા છે.
 
વીડિયો કઈ જગ્યાનો તેમજ ક્યારનો છે તે હજુ સામે આવ્યું નથી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો કઈ જગ્યાનો તેમજ ક્યારનો છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ વીડિયોમાં સ્ટેજ ઉપર ઈન્દ્રનીલ ભાષણ કરતા નજરે પડી રહ્યા છે. કોર્પોરેટર વશરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે.પરેશ ધાનાણીનું બેનર લાગેલું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે વીડિયો આગામી લોકસભા ચૂંટણીનાં પ્રચારનો હોવાનું જણાય રહ્યું છે. જોકે, હકિકતમાં આ વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસનો વિષય છે. કોંગ્રેસના જ નેતા દ્વારા મહાત્મા ગાંધીજીનું અપમાન કરતો આ વીડિયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.