સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી
સલમાન ખાન આજે સુરતનો મહેમાન બન્યો છે. સુરત એરપોર્ટ પરથી બહાર આવતા સલમાન ખાન ફેન્સ તેની એક ઝલક માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સુરત એરપોર્ટ પર આવવાના હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં પહોંચી ગયા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે, સુરક્ષાકર્મીઓએ સલમાનને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન ફેન્સમાં ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સલમાન ખાન ISPL (ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ) સાથે જોડાયેલા હોવાથી સુરતમાં આ લીગને લઇને ઉત્સાહ બમણો થઈ ગયો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચોમાં સલમાનની હાજરીથી સ્ટેડિયમ હાઉસફૂલ રહેવાની શક્યતા છે.
સલમાન ખાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના મેદાનમાં ફરીને પ્રશંસકોના દિલ જીત્યા હતા. પોતાની સાઈનવાળા બોલ પ્રેક્ષકોમાં નાખ્યા હતા. 15 મિનિટ મેદાનમાં રાઉન્ડ માર્યો હતો.
સલમાન ખાનને અગાઉ અનેક વખત ધમકીઓ મળી ચુકી છે જેને લઇને તેની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. સલમાન ખાનની પોતાની સિક્યોરીટીની સાથે સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખી ફોજ ઉતારવામાં આવી છે.