દિનકર બલવંત દેવધર

પરૂન શર્મા| Last Modified રવિવાર, 3 જૂન 2007 (10:06 IST)

પ્રવાસી ટીમ સામે સદી ફટકારનાર પહેલા સદીવીર બનવાની સિદ્ધિ મેળવનાર ભારતીય ક્રિકેટના પિતામહ એવા ખરા અર્થમાં સદીવીર હતા. કારણ, તેમણે આયુષ્યની પણ સદી ફટકારી હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના સ્થાપક સભ્યોમાંથી એક એવા ડિ.બી.દેવધરે પાછળથી મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતુ.

ભારતીય ક્રિકેટના અગ્રહરોળના વ્યક્તિઓમાંથી એક એવા દેવધરે ક્યારેય કોઈ કામને નાનું ગણ્યું નહોતું. કદાય એટલા માટે જ અંગ્રજીમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરનાર ડિ.બી.દેવધર નિવૃત્ત થયા ત્યાં સુધી સંસ્કૃતના પ્રોફેસર તરીકે સેવાઓ આપતા હતા તેમજ ક્રિકેટ ક્ષેત્રે એક આગળ પડતું નામ હોવા છતાય રણજી ટ્રોફીમાં એમ્પાયરીંગ કરી હતી.

પત્રકારત્વ ક્ષેત્રે પણ હાથ આજમાવતા તેમણે કલકત્તાના અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ તરફથી 1946 અને 1947માં અનુક્રમે ભારતના ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસનું પણ કવરેજ કર્યુ હતું.
14 જાન્યુઆરી 1892ના રોજ મહારાષ્ટ્રના પૂણે પાસે જન્મેલા ડિ.બી.દેવધરે પ્રથમ શ્રેણીની 81 મેચોમાં નવ સદી અને 26 અર્ધસદીની મદદથી 4522 રન કર્યા હતા. તેમનો શ્રેષ્ઠ સ્કોર હતો 1940માં પૂણે ખાતે મુંબઈ વિરૂદ્ધ 246 રન.
ઈન્ટરઝોનલ ક્રિકેટ (હવે દુલીપ ટ્રોફી)માં સૌથી મોટી ઉંમર સુધી રમવાની સિદ્ધિ મેળવનાર દેવધરે 50 વર્ષની ઉંમર પછી 1945-46માં સાઉથ ઝોનનું નેતૃત્વ સંભાળ્યું હતું.
54 વર્ષની ક્રિકેટ કારકિર્દી માટે ઢળતી કહેવાય તેવી ઉંમરે તેમણે દત્તુ ફડકે, સઈદ એહમદ, વિજય હજારે, વિનુ માંકડ અને આમીર ઈલાહીની બોલીંગને રહેંસી નાંખતા 89 રન બનાવ્યા હતા. 1905માં માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે પૂણેના નૂતન મરાઠી વિદ્યાલય તરફથી સૌ પ્રથમ મેચ રમી હતી. ત્રણ વર્ષ પછી તેમની ફર્ગ્યુઝન કોલેજની ટીમમાં પસંદગી કરવામાં આવી. શાળા અને કોલેજ સ્તરે તેઓ એક હોનહાર ક્રિકેટર તરીકે ખાસ્સા લોકપ્રિય થઈ ચૂક્યા હતા.
પરંતુ 1911માં ચાર ટીમો વચ્ચેની ટુર્નામેન્ટની પહેલી મેચમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. પરિણામે તેમને ફરીથી રમવા માટે બે વર્ષ રાહ જોવી પડી. જો કે પુનરાગમન કર્યા પછી તેઓ સતત 23 વર્ષો સુધી રમતા રહ્યા. 1916માં પ્રવાસી યુરોપીયન ટીમ સામે ફ્રેન્ક ટેરેન્ટ જેવા ખ્યાતનામ બોલરને ઝૂડી નાંખતા 55 અને 75 રન કર્યા.

મુંબઈમાં 1926-27ની સિઝન દરમિયાન રમાયેલી બીન સત્તાવાર મેચમાં સર આર્થર ગીલીગેન્સના નેતૃત્વ હેઠળની એમ.સી.સી. ટીમ વિરૂદ્ધ તેમણે ફટકારેલા 146 રન સૌથી વધુ યાદગાર બની રહ્યા. 11 વર્ષ પછી 1937માં તેમણે પૂના ખાતે એક બિનસત્તાવાર મેચમાં લોર્ડ ટેનીસનની ટીમ વિરૂદ્ધ સદી ફટકારીને હજુ તો તેઓ યુવાની જેવો જ જોશ ધરાવે છે તે વાતનો પરચો આપ્યો.
દેવધરે 1929, 1934 અને 1936માં હિન્દુ ટીમનું નેતૃત્વ સંભાળ્યું. તેમના નેતૃત્વ હેઠળ જ મહારાષ્ટ્રની ટીમ 1939-40 અને 1940-41ની સિઝનમાં રણજી ચેમ્પિયન બની. આ બંને સિઝનમાં તેમણે એક બેવડી સદી સહીત કુલ છ સદી ફટકારી.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે રાષ્ટ્રીય પસંદગીકાર, કોમેન્ટેટર, ક્રિકેટ પત્રકાર તરીકે સેવાઓ આપીને ક્રિકેટ સાથેનો પોતાનો સંબંધ આગળ વધાર્યો. તેમણે ક્રિકેટ પર એક પુસ્તક પણ લખ્યું. 1965માં પદ્મશ્રી અને 1991માં પદ્મભુષણથી તેમનું સન્માન કરવામાં આવ્યું.
24 ઓગસ્ટ 1993ના રોજ પૂના ખાતે ભારતીય ક્રિકેટના પિતામહ એવા ડિ.બી.દેવધરનું 101 વર્ષની ઉંમરે અવસાન થયું. તેમની સ્મૃતિમાં બી.સી.સી.આઈ. દ્વારા દેવધર ટ્રોફી રમાડવામાં આવે છે.


આ પણ વાંચો :