1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત સ્થાપના દિવસ
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2016 (17:18 IST)

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમ

રાજ્યના ભવ્ય ઈતિહાસ અને સાંસ્‍કૃતિક વારસાને જન જન સુધી ઉજાગર કરી શકાય તે હેતુથી ગુજરાતના સ્‍થાપના દિન 1લી મેની ઉજવણી રાજયના તમામ જિલ્લા-તાલુકા મથકોએ અને મહાનગરોમાં ઉત્‍સાહ પૂર્વક કરવામાં આવશે એમ સામાન્‍ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.
 
   યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાષ્ટ્રીય તહેવારો તથા ગુજરાત ગૌરવ દિનની રાજય કક્ષાની ઉજવણી રાજયના અલગ અલગ જિલ્લા મથકે યોજવાનો રાજય સરકારનો અભિગમ રહ્યો છે. તદ્‍અનુસાર ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત તા.30 એપ્રિલ અને 1 લી મે 2016 દરમિયાન જિલ્લા-તાલુકા અને મહાનગરોમાં જનભાગીદારીને પ્રેરિત કરીને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાશે.
 
   રાજયભરમાં ૧લી મેની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં લોકોપયોગી કામોના ખાતમુહુર્ત, લોકાર્પણો, આરોગ્‍ય વિષયક કેમ્‍પ્‍સ, સ્‍વચ્‍છતાને લોકો કાયમી ધોરણે પોતાની જીવનશૈલીના ભાગરૂપે અપનાવે તે મુજબ સ્વચ્છતા  અને સફાઈ અભિયાનને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
 
   સાથે સાથે શાળાના બાળકો દ્વારા રાજયની પ્રગતિમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિ વિશેષ અંગે વેશભૂષા કાર્યક્રમો સહિત ‘મારી દ્રષ્ટિએ ગતિશીલ ગુજરાત', ‘મારૂ ગુજરાત-આગવું ગુજરાત', ‘ગુજરાતના મહાનુભાવો', ‘ગુજરાતની ગરિમા' વિષયક વકતૃત્વ  સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ તથા ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત ગતિશીલ ગુજરાતનો પ્રગતિશીલ વારસો શ્રેણી અંતર્ગત નિષ્ણાંતોના વક્તવ્યો, સ્કાઉટ-ગાઈડ રેલી, સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં સફાઈ અને રોશની, ધાર્મિક-પૌરાણિક ઈમારતો પર રોશની, વોર્ડ સફાઈ સ્પર્ધા યોજાશે.
 
   આ ઉપરાંત યુવા વિકાસ વર્ષ અંતર્ગત યુવાનોને ગતિશીલ વિકાસ યાત્રામાં જોડતા વિષયો સંદર્ભે, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે યુવા સંમેલનોનું પણ આયોજન કરવાનું આયોજન છે. ગુજરાતની ઝાંખી દર્શાવતા ફોટોગ્રાફની હરિફાઈ, શહેર-જિલ્લાના જાણીતા સ્થળોના ફોટા, વિકાસના નકશાઓ, ઐતિહાસિક સ્થળોના કટ આઉટ મૂકવા અંગે પ્રદર્શનો યોજાશે. તેમજ સ્થાનિક કક્ષાએ વિદ્યાર્થીઓ, યુવાનો દ્વારા ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો, હેરીટેજ વોક, કેનવાસ પેઈન્ટીંગ, વોલ પેઈન્ટીંગનું આયોજન તથા ગ્રામીણ તથા વિસરાતી જતી રમતોનું પણ આયોજન કરાશે, તેમ વધુમાં જણાવાયું છે