મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 ઑક્ટોબર 2020 (10:34 IST)

ચીનમાં વધી ગુજરાતના સીંગતેલની ડિમાંડ, તહેવારોમાં સિંગતેલમાં રૂ.350નો વધારો

એક તરફ વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. લોકોના આવકની આવકમાં ઘટાડો થયો છે તો બીજી તરફ મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે. દિવાળી નજીક આવતાં જ સિંગતેલના ભાવના આસમાને પહોંચી ગયા છે. હાલમાં જ ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતા ઘર આંગણે જ ભારતના લોકો હવે કોરોનામાં પણ વધુ ભાવ આપવા મજબૂર બન્યા છે.
 
સિંગતેલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થતું હોવા છતાં સતત ભાવવધારો જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ ચીનમાં મોટાપાયે કરવામાં આવતી નિકાસ છે. ગત વર્ષે ચીનમાં સિંગતેલની નિકાસ 50-55 હજાર ટનની રહી હતી જે આ વર્ષે વધીને એક લાખ ટને પહોંચવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં ફોરવર્ડમાં 30-35 હજાર ટનના વેપાર થયા છે.
 
છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350 વધી ગયા છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી ઉત્પાદન માત્ર 32-35 લાખ ટન આસપાસ રહેતા એક કારણ એ પણ છે.
 
ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે. ગુજરાતમાં 21 લાખ હેક્ટરમાં વાવેતર થતાં સરકારે ચાલુ વર્ષે મગફળીના પાકનો એડવાન્સ અંદાજ 54.65 લાખ ટન મુક્યો છે. પરંતુ નિષ્ણાતોના મતે ઉત્પાદન 35 લાખ ટનની અંદર જ રહેશે.