ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (13:59 IST)

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રવાસ અસર ગુજરાત બજેટ પર, હવે આ તારીખે રજૂ થશે બજેટ

મંગળવારે વ્હાઇટ હાઉસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની તારીખોની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પ પોતાની પત્ની સાથે આગામી 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. આ સાથે-સાથે અમેરિકી પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી અમદાવાદની વિધિવત મુલાકાત લઇ ભારતીય સમુદાય સાથે સંવાદ કરશે તેવી પણ ઘોષણા કરી દેવામાં આવી છે. પોતાની ભારત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવી દિલ્હી અને ગુજરાતમાં રોકાવાના છે. જેને પગલે ગુજરાત સરકારને રાજ્યનું બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
 
આ અંગે ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, હવે નાણામંત્રી નીતિન પટેલ ગુજરાતનું 2020-21નું બજેટ 24 ફેબ્રુઆરીને બદલે 26 ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ અંગેની સત્તાવાર માહિતી વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી છે. રાજ્યનું બજેટ હવે ગુજરાત વિધાનસભામાં 26 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. ટ્રમ્પની ગુજરાત મુલાકાત મામલે હજી ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરવાનું ટાળ્યું છે. ટ્રમ્પ કયા જવાના છે? કયારે ગુજરાત આવશે? તે તમામ બાબતો હજી સ્પષ્ટ નથી.
 
અત્યાર સુધીમાં ચારથી વધુ વખત અમેરિકી પ્રેસિડેન્ટ ભારતના પ્રવાસે આવ્યા છે એમાં છેલ્લે માર્ચ 2010માં બરાક ઓબામાએ ત્રણ દિવસની મુલાકાતમાં મુંબઇ અને નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. ગુજરાતના ઇતિહાસમાં અમેરિકી પ્રેસિડેન્ટની આ પ્રથમ મુલાકાત હોવાથી મોંઘેરા મહેમાનનોની મહેમાનગતિમાં કોઇ ખોટ રહી ન જાય તે માટે રાજ્ય અને સ્થાનિક વહીવટી તંત્ર કેન્દ્ર સરકાર તથા વ્હાઇટ હાઉસના સંકલનમાં રહીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. 
 
કહેવામાં આવી રહ્યું છે કે, હ્યુસ્ટનમાં જે રીતે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ “હાઉડી મોદી” યોજાયો હતો, કંઈક એવો જ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ યોજાઈ શકે છે. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.