1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ગાજર ઘાસથી સંભાળોઃ એલર્જી-ખંજવાળ આવી શકે છે

P.R
આજકાલ શીયાળો પૂરબહારમાં જામ્યો છે ત્યારે ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે જનારાઓની સંખ્યા પણ વધી ચુકી છે. ચાલવા જનારાઓએ બગીચાઓમાં ઠેર ઠેર ઉગતા ગાજર ઘાસ કે કોંગ્રેસ ઘાસ તરીકે ઓળખાતા પ્લાન્ટથી સંભાળવાની જરુર છે. કારણકે આ પ્લાન્ટ એલર્જી કરી શકે છે, તેનાથી ચામડીમાં ખંજવાળ આવી શકે છે અને તેના કારણે અસ્થમાના દર્દીઓ વધારે હેરાન થઈ શેક છે.

આખા ગુજરાતમાં જોવા મળતા આ પ્લાન્ટનુ નામ આમ તો પાર્થેનીયમ હીસ્ટરોફોરસ છે પરંતુ ગુજરાતીમાં તેને ગાજર ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરામાં કમાટીબાગમાં જ્યાં હજારો લોકો રોજ ચાલતા હોય છે ત્યાં ઠેર ઠેર ગાજર ઘાસના નાનકડા પ્લાન્ટ ઉગેલા જોવા મળે છે. એમ.એસ.યુનિવર્સીટીના બોટની ડીપાર્ટમેન્ટના અધ્યાપક ડો.પી.નાગરનુ કહેવુ છે કે વડોદરાના મોટાભાગના ગાર્ડનમાં આ પ્લાન્ટસ જોવા મળતા હોય છે. ઘરના બગીચામાં કે ઘરની આસપાસ પણ આ પ્લાન્ટસ ઉગતા હોય તેવુ બની શકે છે. તેની પરાગરજ ઉડવાના કારણે તેની આસપાસમાં રહેલા વ્યક્તિને એલર્જી થઈ શકે છે, આંખમાં કે ચામડી પર ખંજવાળ આવી શકે છે તેવુ ઘણા બધા સંશોધનોમાં સાબીત થઈ ચુક્યુ છે.ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં પણ તેનો વ્યાપ વધી રહ્યો છે. આ પ્લાન્ટ ઘૂસણખોર પ્લાન્ટ છે.જે ગમે તેવી જમીનમાં અને અલ્પ માત્રામાં પાણી મળે તો પણ ઉગી જાય છે.

ગાજર ઘાસ તરીકે વધારે ઓળખાતા પાર્થેનીયમ હીસ્ટરોફોરસ નામના આ પ્લાન્ટનૂ મૂળ અમેરીકા છે. એવુ મનાય છે કે ભારતમાં જ્યારે કૃષિ ક્રાંતિ થઈ ન હતી ત્યારે અમેરીકા ભારતને પીએલ ૪૮૦ ઘઉં (વિકસીત દેશોને અનાજની સહાય કરવા માટે પસાર થયેલો કાયદો પીએલ ૪૮૦ તરીકે ઓળખાતો હતો)મોકલતુ હતુ.આ ઘઉંની સાથે સાથે ગાજર ઘાસના બીજ પણ ભારતમાં પ્રવેશી ગયા હતા. ત્યારથી આ પ્લાન્ટસ ભારતમાં ઉગવા માંડયો છે.ખેતીલાયક જમીન હોય કે રેલ્વે ટ્રેકની આસપાસની જગ્યા કે કોઈ પણ અવાવારુ જમીન અથવા તો પ્રાઈવેટ અથવા પબ્લીક ગાર્ડન, દરેક સ્થળે આ પ્લાન્ટ જોવા મળી શકે છે. ભારતમાં છેલ્લા પચાસ વર્ષમાં તેનો ફેલાવો વધ્યો છે અને ભારતની અંદર આ પ્લાન્ટે ૨૦ લાખ હેક્ટર જમીન પર કબજો જમાવ્યો છે.ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વધારે ઝડપથી ફેલાવો થયો છે.

ડો. નાગરના મતે ગુજરાતમાં પ્લાન્ટસનુ જે પણ વૈવિધ્ય છે તેમાં ૮૦ જેટલી પ્રજાતિઓ વિદેશી છે.આ પૈકીના ૧૫ જેટલા પ્લાન્ટસને ઘૂસણખોર પ્લાન્ટસની કેટેગરીમાં મુકી શકાય. જેનુ એક ઉદાહરણ પાર્થેનીયમ હીસ્ટરોફોરસ છે. આવો જ એક પ્લાન્ટ લેન્ટેલા છે. જે સામાન્ય રીતે જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં ૨૫ ટકા જંગલ જમીન પર લેન્ટેલાનુ વર્ચસ્વ સ્થપાઈ ચુક્યુ છે. સીન્ડ્રેલા કે ઓલ્ટરનેનથેરા નામના પ્લાન્ટનો ફેલાવો પણ છેલ્લા પાંચ છ વર્ષથી વધી ચુક્યો છે. ખૂબ જ ઝડપથી ફેલાતો ગાંડો બાવળ મૂળે વિદેશી પ્રજાતિ છે. જેને મેક્સીકોથી ગુજરાતમાં લાવવામા આવ્યો હતો. તેની પાછળનો આશય એ હતો કે તેનાથી ગુજરાતમાં દરિયા કિનારાની ખારાશને પ્રસરતી અટકાવી શકાય.જોકે હવે ગાંડો બાવળ જ્યાં ઉગે છે ત્યાં આસપાસ બીજા કોઈ પ્લાન્ટ ઉગી શકતા નથી. આમ વિદેશી પ્લાન્ટસ જમીન પર અંગ્રેજોની જેમ કબજો કરતા જાય છે અને દેશી પ્લાન્ટસ પોતાની જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.આ એક પ્રકારનુ બાયોલોજીકલ વોર છે.