ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ - શું સાચે જ ગુજરાતી ફિલ્મો જોવાય છે ?
થોડાક વર્ષો પહેલા એટલે કદાચ એક દાયકો માની શકાય. જ્યારે ગુજરાતી ફિલ્મો પાસે 90 ટકા દર્શકો નહોતા, કારણ કે ફિલ્મોમાં દર્શકોનો દુકાળ પેદા થયો હતો. આવા સમયમાં જાણીતા દિગ્દર્શક જસવંત ગાંગાણીએ એક ફિલ્મ બનાવી મેં તો પાલવડે બાંધી પ્રીત. આ ફિલ્મ એ સમયે ખૂબજ હીટ સાબિત થઈ. પણ તે સિવાયની ફિલ્મો કદાચ બની ખરી પણ થિયેટર સુધી ના પહોંચી શકી અથવા તો તેમને દર્શકો ના મળ્યાં. ત્યારે મેં તો પાલવડે બાંધી પ્રિત જેવી ફિલ્મ હીટ ગઈ. એટલે એક વાત તો ચોક્કસ છે કે જો વાર્તા સારી હશે તો લોકો ફિલ્મ જોવા જવાના જ છે. ત્યાર બાદ બની મહિયરમાં મનડુ નથી લાગતુ, આ ફિલ્મની ફરીવાર સિક્વલ પણ બનાવવામાં આવી, જે જસવંત ગાંગાણીએ જ બનાવી હતી.
આ ફિલ્મ પરથી બોલિવૂડમાં વિવાહ ફિલ્મ બની અને ત્યાર બાદ ઓરિસ્સા તથા પશ્ચિમ બંગાળમાં તેની સિક્વલ બનાવવામાં આવી જે ખરેખર સુપર ડૂપર હીટ ગઈ અને બંને રાજય સરકારોએ જસવંત ભાઈને એવોર્ડથી સન્માનિત પણ કર્યાં. આ વાત એવા સમયની છે. જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ મરી પરવારી હતી. ત્યાર બાદ અભિષેક જૈન જેવા યુવા ફિલ્મકારે બે યાર અને કેવી રીતે જઈશ જેવી ફિલ્મો બનાવી જે સુપર ડૂપર હીટ સાબિત થઈ. આ સમયમાં ગુજરાતી ફિલ્મો માત્ર એક વર્ગ માટેજ બનતી હોય તેવું લાગતું હતું. ત્યારે પણ થિયેટર સુધી જનારા લોકોની સંખ્યા માત્ર ગણી શકાય એટલી જ હતી.
પછી તો સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજ્જુભાઈ ધ ગ્રેટ, રોમકોમ, હૂ તુતુતુ, જેવી અર્બન ફિલ્મો બનવા માંડી અને જાણે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ કાળ પાછો આવ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ, હાલમાં ફિલ્મ નિષ્ણાંતો એવું માને છે કે હાલમાં 200 થી વધુ ગુજરાતી ફિલ્મો ફલોર પર છે. તે ઉપરાંત ઘણી એવી ફિલ્મો છે જે માત્ર નાટકો પરથી તૈયાર થઈ રહી છે.
ચોરના ભાઈ ઘંટી ચોર અને લવ યુ બકા જેવી થર્ડક્લાસ કહેવાતી ફિલ્મો પણ ખર્ચાયેલા બજેટની કદાચ રીકવરી કરી ગઈ હતી. ત્યારે પ્રેમજી અને થઈ જશે જેવી ફિલ્મો પણ હાલમાં ફ્લોર પર છે. આ અંગે બોલિવૂડના જાણીતા અભિનેતા મનોજ જોશી કહે છે કે હાલમાં ગુજરાતી ફિલ્મો માટે એક નવી આશાનો જન્મ થયો છે. લોકોએ અર્બન ફિલ્મો નહીં પણ ગુજરાતી ફિલ્મો તરીકે સંબોધન કરવું જોઈએ. હું પણ હવે આવનારા ઓગષ્ટ મહિનામાં ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવાનો છું. થઈ જશે નામની ફિલ્મ મારી બીજા નંબરની ગુજરાતી ફિલ્મ છે. હવે એવો સમય દૂર નથી કે બોલિવૂડના લોકો ગુજરાતી ફિલ્મ બનાવે, તે ઉપરાંત જે ગુજરાતી છે જ નહીં પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સક્રિય થયાં છે. તેવા યુવા દિગ્દર્શક ધ્વની ગૌતમ પણ પોતાની પાંચ ફિલ્મો સાથે હાલ માર્કેટમાં છે. તેમણે રોમકોમ જેવી હીટ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું છે. સરકારે ગુજરાતી ફિલ્મો પર સબસિડી જાહેર કર્યાં બાદ જાણે ફિલ્મોનો રાફડો ફાટી નિકળ્યો હોય તેવું લાગે છે. શું પ્રોડ્યુસરો સબસિડી મેળવવા માટે ફિલ્મો બનાવે છે એવો સવાલ પણ લોકો હાલમાં કરી રહ્યાં છે.
આખરે વિચારવાની વાત એ છે કે શું ખરેખર ગુજરાતી ફિલ્મો ચાલે છે. લોકો આ ફિલ્મોને જુએ છે ખરા. અને જુએ છે તો ક્યાં. યા થિયેટરો આ ફિલ્મોને ચલાવે છે. આવા અનેક સવાલો ફિલ્મ વિવેચકોને મુંઝવી રહ્યાં છે.