મુખ્યમંત્રીએ માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજ ખુલ્લો મુક્યો, રોજ 60 હજાર લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ
The Chief Minister inaugurated Madhapar Chowkdi Six Lane Overbridge
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે.
દેશમા ૯ વર્ષમાં ૩ લાખ ૨૮ હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના ૩૭ કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં માર્ગ મકાન વિભાગ માટે રૂ. ૨૦,૬૦૦ કરોડ જેટલી રકમ ફાળવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે એટલું જ નહિ હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે એમભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લંબાઇ ૧૧૨૫ મીટર અને ૨×૧૧ મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બંને તરફ ૮.૮ મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર ૫૦ મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે ૩૦ મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવેલ છે