મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. સ્વતંત્રતા પર્વ
Written By વેબ દુનિયા|

સ્વતંત્રતા પછી આપણે શુ મેળવ્યુ ? શુ ગુમાવ્યુ ?

N.D
નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા લગાવે.આપણા સૌની પણ આવી જ એક ફરજ છે. જે આપણે સૌ અકબરી લોટાની જેમ વિસરી ગયા હોય તેમ લાગે છે.

ભારતરૂપી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની આજે આપણે સૌ દેશવાસીઓ 61મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ ત્યારે આઝાદીના છ-છ દાયકા સુધી આપણે શુ મેળવ્યું, શુ ગુમાવ્યું? એ જોવાની આપણી નૈતિક ફરજ નથી?

આજે આપણે ખુલી હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તો એ અસંખ્ય શહીદો અને સ્વતંત્રતા સંગ્રામના નરબંકાઓની બલિદાનને આભારી છે. તેઓએ આઝાદીના બીજ રોપ્યાઅને પોતાના લોહીથી તેનું સિંચન કર્યું હતું. જે બીજ આજે આઝાદીના 61 વર્ષોમાં વિશાળ વટવૃક્ષનું રૂપ લઇ ચુક્યું છે અને આપણે તેના મીઠા ફળ ચાખી રહ્યા છીએ.

આઝાદીના આ વર્ષોમાં હિન્દુસ્તાને તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. વિજ્ઞાન હોય કે પછી કૃર્ષિ, સાહિત્ય હોય કે ખેલ, તાજેતરમાં ઓલિમ્પિક ખેલમાં પણ અભિનવ બિન્દ્રાએ ઇતિહાસ રચી સુવર્ણ ચંદ્રક મેળવી દેશને ગૌરવ અપાવ્યું છે.

આજે ઘણા ખરા ક્ષેત્રોમાં દેશનો તિરંગો લહેરાઇ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે આપણે ઘણું બધુ ગુમાવ્યું પણ છે. સમાનતાવાદી દ્રષ્ટિકોણ, નૈતિક મૂલ્યો, ધાર્મિક સહિષ્ણુતા, પરસ્પરનો પ્રેમ અને ભાઇચારો સહિત ઘણું બધુ. આમાંથી કેટલીક એવી બાબતો છે કે જે મુદ્દે જો હમણાં નહીં વિચારીએ તો કદાચ આપણે ઘણું બધુ ગુમાવી બેસીશું.....જેમ કે....

અંગ્રેજોની ગુલામીમાંથી છુટેલા આપણે ધીમે ધીમે અંગ્રેજીના ગુલામ બની રહ્યા છીએ, બાળકોને અંગ્રેજી શિક્ષણ અપાવવાનો મોહ આપણી માતૃભાષા અને રાષ્ટ્ર ભાષાને પતાવી દેશે. આપણે જાગીશુ ત્યારે કદાચ ઘણું મોડુ થઇ ચુંક્યુ હોય તો નવાઇ નહીં, કારણ કે આજે આપણી આંખો આગળ માત્ર એ.બી.સી.ડી જ દેખાય છે.

અંગ્રેજી અફસરોની ચુંગાલમાંથી છુટેલા આપણે આઝાદીના છ દાયકા બાદ પણ ગુલામી વેઠી રહ્યા છીએ. એ ગુલામી પછી ગંદા રાજકારણની હોય કે પછી ગંદા સમાજની હોય.

કેટલાક કટ્ટરપંથીઓના રવાડે ચડી આપણે આપણા જ ઘરને અંદરથી સળગાવી રહ્યા છીએ. તેની ઉપર પથ્થરમારો કરી રહ્યા છીએ. બોમ્બ ફોડી રહ્યા છીએ.

ચંદ રૂપિયાની લાલચ કે પછી ભૂતકાળની કોઇ ઘટનાનો બદલો વાળવાની આપણી માનસિકતાને પગલે આપણે આંતકીઓના હાથા બની દેશદ્રોહ તરફ વળ્યા છીએ.

બોલીવુડ, હોલીવુડ કે પછી પશ્વિમિ ફેશનના નામે આપણે નગ્નતાને અપનાવી રહ્યા છીએ, જાણતા અજાણતા આપણે ઘરની આબરૂને આપણે બજારમાં લઇ જઇ રહ્યા છીએ. પોપ મ્યુઝિકના નામે આપણી દિકરીઓ ક્યાંય ખોટા હાથોમાં તો નથી સરકી રહીને?

આ બધી બાબતો તપાસવાનો કે એના ઉપર વિચાર કરવાનો સમય પાકી ગયો હોય એવું નથી લાગતું?

આપણા વડવાઓએ લોહી સિંચી આપેલી આઝાદીને આમ વેડફી દેવી યોગ્ય ગણાશે? શુ આવતી પેઢીને સંસ્કાર વગરની અને અંદરથી ખોખલી કરી કોઇની ગુલામ બનાવવી છે? ના. તો કોની રાહ જોઇ રહ્યા છો?

N.D
આ બધી સમસ્યાઓ વચ્ચેથી દેશને કેવી રીતે વિકાસના પંથે, શાંતિના માર્ગે આગળ લાવી શકાય. આઝાદ ભારતની 61મી વર્ષગાંઠે આપ શુ વિચારો છો? આ વર્ષોંમાં આપણે શુ મેળવ્યું અને શુ ગુમાવ્યુ?

વિચાર કરો. બેસો કોમ્પ્યુટર સામે અને પ્રગટ કરો તમારા વિચારો, જો આ વિચારોમાંથી કોઇને નવી દિશા મળશે તો રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરી લેખાશે.

વેબદુનિયાના તમામ વાંચકોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.