ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (12:41 IST)

અધિકારીની બદલી કે કાર્યવાહી DCPએ તપાસ વગર ન કરવા પોલીસ કમિશનરનો આદેશ

અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા LRD જવાનથી લઇ PSI કક્ષા સુધીના અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કે બદલી જે તે ઝોનના DCPએ પ્રાથમિક તપાસ કરીને જ કરવાની રહેશે. પોલીસ સ્ટેશનના PI દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે તેમાં પૂરતા પુરાવા મેળવી વધુમાં વધુ 7 દિવસમાં તપાસ કરીને જ કાર્યવાહીનો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ આદેશ કર્યો છે. જો તપાસ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવશે તો ઝોનના DCP, ACP અને PIની જવાબદારી નક્કી કરવામાં આવશે. નવનિયુક્ત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ DCP અને PIને પત્ર લખી જાણ કરી છે કે શહેરમાં ફરજ બજાવતા LRD જવાનથી લઇ PSI કક્ષાના અધિકારી સામે કેટલાક કેસમાં શિક્ષાત્મક કાર્યવાહી કે બદલીનો રિપોર્ટ જે તે પોલીસ સ્ટેશનના PI દ્વારા ઝોન DCPને મોકલી આપવામાં આવે છે અને DCP આ મામલે પ્રાથમિક તપાસ કર્યા વગર રિપોર્ટ પોલીસ કમિશનર ઓફિસમાં મોકલી આપે છે જે બાબત યોગ્ય નથી. DCPને આ અધિકારીઓ સામે કાર્યવાહી માટે સત્તા છે છતાં રિપોર્ટ પર કાર્યવાહી કર્યા સિવાય પોલીસ કમિશનર ઓફિસમાં મોકલી આપવામાં આવે છે જેથી LRD જવાનથી PSI કક્ષા સુધીના અધિકારીઓ સામેના આક્ષેપ અને રિપોર્ટ મન તથ્યને ધ્યાને લઇ જરૂરી પ્રાથમિક તપાસ કરીને DCPએ પોતે જ કાર્યવાહી કરવાની રહેશે. બદલીનું કારણ અને ચોક્કસ નિષ્કર્ષ કારણ પોલીસ કમિશનર કચેરીને મોકલી આપવાનું રહેશે. આક્ષેપ પર પ્રાથમિક તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર અધિકારી પાસે કરાવવાની રહેશે. પૂરતા પુરાવા મેળવી મહત્તમ સાત દિવસમાં પુરી કરવાની રહેશે. હવેથી પ્રાથમિક તપાસ વગર સંબંધિત અધિકારી દ્વારા સીધેસીધી કાર્યવાહી કરવામાં આવશે કે બદલી કરવામાં આવશે તો DCP, ACP અને PIની જવાબદારી નક્કી કરવામાં આવશે.