રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (11:09 IST)

ખેડૂત આંદોલન સમેટાઈ જશે કે ચાલુ રહેશે? આજે લેવાશે નિર્ણય

ગત એક વર્ષથી કેટલાંય ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચ 'સંયુક્ત કિસાન મોરચા'ના બૅનર હેઠળ આંદોલન કરી રહેલા ખેડૂતો આંદોલન ખતમ કરવા અંગે આજે નિર્ણય લેશે.
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ પ્રથમ માને બીજા લીડ સમાચાર છાપ્યા છે - ખેડૂત સંગઠનોનો આંદોલનને ખતમ કરવાનો આજે નિર્ણય.
 
ગૃહમંત્રાલયે ખેડૂત સંગઠનોને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કહેવાયું છે કે તેમની માગોનું સમાધાન થઈ ગયું છે.
 
અખબારના રિપોર્ટ અનુસાર 'સંયુક્ત કિસાન મોરચો' કેટલાય મુદ્દા પર સ્પષ્ટતા ઇચ્છે છે, જેમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ 'બનાવટી' કેસ પરત લેવાની વાત પણ સામેલ છે.
 
ગૃહમંત્રાલયના પ્રસ્તાવને લઈને સિંઘુ બૉર્ડર પર ખેડૂત સંગઠનોએ મંગળવારે એક બેઠક કરી હતી.
 
આ પહેલાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને લઈને કેટલીક આશંકાઓ છે.
 
તેમણે કહ્યું, "સરકારે પ્રસ્તાવ મોકલ્યો હતો કે તેઓ અમારી માગ પર સહમત છે અને અમારે અમારું આંદોલન પાછું લઈ લેવું જોઈએ. પરંતુ સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી."
 
તેમણે જણાવ્યું હતું કે બધી બાબતોનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ ઘરે નહીં જાય.
 
રાકેશ ટિકૈતે કહ્યું કે "અમારું આંદોલન ક્યાંય નહીં જાય. અમે અહીં જ રહીશું. બીજી તરફ બેઠક પછી સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે તેમણે સરકારના પ્રસ્તાવ પર સ્પષ્ટીકરણ માગ્યું છે અને બુધવારે ફરી આ મુદ્દા પર બેઠક થશે."
 
સંયુક્ત કિસાન મોર્ચાના નેતા યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું, "પાંચ સભ્યોની કમિટીની એક અગત્યની બેઠક થઈ. તેમાં સરકાર તરફથી આવેલા પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો. તે પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોરચાના સાથીઓ સાથે બેઠક થઈ, ચર્ચા થઈ. કેટલાક સભ્યોને સ્પષ્ટીકરણ જોઈએ છે."
 
કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમની માગને લઈને લેખિત આશ્વાસન આપ્યું છે.
 
આ આશ્વાસનમાં એમએસપી (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) માટે કાયદાકીય ગૅરન્ટી પણ સામેલ છે.
આ બેઠકમાં બુધવારે બપોર બાદ બે વાગ્યે ફરીથી બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે અને આ બેઠકમાં જ આંદોલનને ખતમ કરવાનો અંતિમ નિર્ણય લેવાશે.