રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 6 જૂન 2016 (14:18 IST)

કેજરીવાલ પાટીદાર કાર્ડ ખેલશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પાટીદાર  અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, પાટીદાર સમાજ તથા ગુજરાતીઓ ઉપર સરકાર દ્વારા આચરવામાં આવેલા અત્યાચારને સખ્ત શબ્દોમાં વખોડતો વીડિયો સંદેશ આજે ગુજરાતના પ્રભારી અને દિલ્હીના એમએલએ ગુલાબસિંઘ યાદવ દ્વારા જાહેર કરાયો હતો. આ વીડિયો સંદેશમાં અરવિંદ કેજરીવાલ જણાવે છે કે છેલ્લા ૮ મહિનાથી હાર્દિક પટેલ જેલમાં બંધ છે આ બાબતે ગુજરાતના લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે.

હાર્દિક પટેલનો ગુનો શું છે? 

હાર્દિક પટેલે ગુજરાતીઓ માટે, પોતાના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, પોતાના સમાજ માટે સંઘર્ષ કર્યો છે. હાર્દિક પટેલે ક્યારેય પણ દેશના વિરુદ્ધમાં અવાજ નથી ઉઠાવ્યો. તેણે ક્યારેય પણ રાષ્ટ્રને તોડવાવાળી તાકાત સાથે હાથ નથી મિલાવ્યો. વીડિયોમાં કેજરીવાલ એ પણ જણાવતા નજરે પડ્યા હતા કે, આજે આપણે જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્રના ભાજપના એક મંત્રી એકનાથ ખડસેના દાઉદ ઈબ્રાહિમ જોડે વાત કરતા કોલ રેકોર્ડ સામે આવ્યા છે તો દેશદ્રોહી તો એકનાથ ખડસે થયા ને? એકનાથ ખડસે સામે સરકાર કોઈ પગલા નથી લઈ રહી પરંતુ હાર્દિક પટેલ સામે સરકાર દેશદ્રોહના ગુના નોંધે છે. હાર્દિક પટેલ દેશદ્રોહી કેવી રીતે થયો?ેહાર્દિક પટેલની જે કંઈપણ માંગ છે તેનાથી કોઈ અસહમત જરુર હોઈ શકે. તેની વાત સાથે મતભેદ જરુર હોઈ શકે, પરંતુ આને દેશદ્રોહ ન કહી શકાય. દેશદ્રોહી તો ખડસે જેવા નેતા છે. 

હાર્દિક પટેલે જે વાત કહી રહ્યો હતો તે જ વાત લાખો ગુજરાતી કહી રહ્યા હતા. તો શું લાખો ગુજરાતી દેશદ્રોહી થઈ ગયા? અચાનક ગુજરાતના લોકોને દેશદ્રોહી કહી દેવા ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવુ બિલકુલ યોગ્ય નથી અને ખૂબ જ અન્યાયપૂર્ણ બાબત છે.