રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : સોમવાર, 4 જૂન 2018 (13:38 IST)

પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતાઓને ભાજપે ખરીદ્યાં? વીડિયો વાયરલ થયાં બાદ આક્ષેપોનો મારો

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને હાર્દિક પટેલ દ્વાર શરૂ કરાયેલા પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે ભાજપ સરકારના ઈશારે નાણાં અપાયાં હતાં તેવા આક્ષેપ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. આ વીડિયોના પગલે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને પોતાના જૂના સાથીઓ કરોડો રૂપિયામાં વેચાયા હોવાના આક્ષેપ કર્યા છે. હાર્દિકે લખ્યું છે કે, આંદોલનકારીઓને પૈસાના જોરે આંદોલનથી દૂર કરીને હાર્દિક પટેલ પર આરોપો કરનારા લોકોએ પૈસા લઈને હાર્દિક પર આરોપ કરતા હતા એ આજે ખુલ્લા પડી ગયા છે. હાર્દિકે વધુમાં લખ્યું છે કે, ભાજપ આંદોલન તોડીને આંદોલનકારીઓને ખરીદી રહી હતી એ સાબિત થઇ ગયું છે. જે લોકો પોતાના ઈમાન અને સમાજ સાથે સોદા કરતા હોય એ લોકોનો ભરોસો ના કરાય. હાર્દિકે આ મેસેજમાં આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી છ લોકોને સોંપાઈ હતી તેવો આક્ષેપ કર્યો છે. હાર્દિકે લખ્યું છે કે, ભાજપ સરકારે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી બટુક મોવલિયા ( સુરતના ઉદ્યોગપતિ), મુકેશ ખેની (સુરતના ઉદ્યોગપતિ), વિમલ પટેલ (સુરતના ઉદ્યોગપતિ ), મનસુખ પટેલ ( નીતિન પટેલના ખાસ), જેરામભાઈ વાંસજાળિયા ( સિધ્ધસર ઉમિયા ધામના પ્રમુખ ) અને સી.કે.પટેલ ( વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ )ને સોંપી હતી. હાર્દિકે સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતાં ભાજપે ખરીદેલા આંદોલનકારીઓના ભાવ પણ જાહેર કર્યા છે. હાર્દિકે કરેલા આક્ષેપ પ્રમાણે રેશ્મા પટેલને રૂપિયા 4 કરોડ ( હાલ ભાજપમાં ), વરુણ પટેલને રૂપિયા 6 કરોડ ( હાલ ભાજપમાં પ્રવક્તા ), ચિરાગ પટેલને રૂપિયા 2 કરોડ ( હાલ ભાજપમાં ) મળ્યા હતા. હાર્દિકના આક્ષેપ પ્રમાણે કેતન પટેલને રૂપિયા 3 કરોડ ( હાલ ભાજપમાં અને રાજદ્રોહ કેસમાં સરકારનો સાક્ષી ),દિનેશ બાંભણિયાને રૂપિયા 8 કરોડ ( આંદોલનમાં છું એમ કહીને આંદોલન તોડવાનું ), નલિન કોટડીયાને રૂપિયા 13 કરોડ ( હાલ ભાજપમાં ) ભાજપ દ્વારા અપાયા હતા. આ ઉપરાંત રવિ હિંમતનગરને રૂપિયા 2 કરોડ ( હાલ ભાજપમાં ), કેતન કાંધલ જૂનાગઢને રૂપિયા 2 કરોડ ( હાલ ભાજપમાં ), દિલીપ સાબવાને રૂપિયા 4 કરોડ( હાલ એનસીપીમાં અને અને આંદોલનમાં છું એમ કહીને આંદોલન તોડવાનું ) તથા વિજય મંગુકિયા સુરતને રૂપિયા 2 કરોડ ( હાલ ભાજપમાં ) મળ્યાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે કરેલા આ આક્ષેપો સાચા છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે અને એબીપી અસ્મિતા તેને સમર્થન નથી આપતું. આ હાર્દિક પટેલે કરેલા આક્ષેપો છે. આ આક્ષેપોના કારણે ખળભળાટ મચી ગયો છે અને પાટીદાર અનામત આંગોલન ફરી ચર્ચામાં આવી ગયું છે. થોડા દિવસ પહેલા જ હાર્દિક પટેલની બહેનના લગ્ન થયા હતા જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યારે ભાજપ પર આક્ષેપો કરનાર હાર્દિક પટેલ તેની બહેનના લગ્નમાં 20 કરોડ ક્યાંથી લાવ્યો તે પહેલા જણાવે આપો આક્ષેપ રેશ્મા પટેલે કર્યો હતો.  હાર્દિક પટેલની બહેન મોનિકાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં પાટીદાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતાં.( વીડિયો - ફેસબુક સાભાર)