શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રક્ષાબંધન
Written By વેબ દુનિયા|

રેશમની રાખડી હવે ક્યાં....

N.D
પહેલાં લોકો રાખડીને રેશમનો તાર અથવા રેશમનો દોરો કહેતાં હતાં. પરંતુ હવે તો નથી ક્યાંય તે રેશમનો તાર રહ્યો કે નથી રેશમની રાખડી. આજના બદલાતા જતા યુગની અંદર રાખડી પણ બદલાઈ ગઈ અને તે પણ હવે ડિઝીટલ થઈ ગઈ. આજના ઈંટરનેટના જમાનામાં જ્યારે બધી જ વસ્તુ ડિઝીટલ થઈ ગઈ છે ત્યારે હવે રાખડી પણ કેમ પાછળ રહે હવે તો તે પણ ડીઝીટલ થઈ ગઈ છે.

પહેલાં તો પોતાના પરિવારથી દૂર રહેતી બહેન પોતાના ભાઈને પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હતી પરંતુ હવે આજના આ ડિઝીટલ યુગની અંદર પોસ્ટ તો ક્યાંય ખોવાઈ જ ગઈ છે અને હવેની મોર્ડન બહેનો પોતાના ભાઈઓને ઈ-રાખડી કે ઈ-કાર્ડ જ મોકલીને સંતોષ માની લે છે. આ ઈ-રાખડી તેમને માત્ર મિનિટોમાં જ મળી જાય છે. તેઓ ફક્ત ઈ-કાર્ડ કે ઈ-રાખડી મોકલીને પોતાનુંવ કર્તવ્ય પુરૂ કરી દે છે. આસનની જગ્યાએ કોમ્પુટરની સામે ખુરશી પર બેસીને ભાઈ પોતાની બહેન દ્વારા મોકલેલી રાખડી જોઈને ખુશ થઈ જાય છે અને પાંચ મિનિટમાં તો રક્ષાબંધન પણ ઉજવાઈ જાય છે.

રક્ષાબંધન પર ઈ-કાર્ડ અને ઈ-રાખડી મોકલવાની શરૂઆત 1995માં થઈ હતી. પહેલાં તો આનો ઉપયોગ માત્ર વિદેશમાં રહેતી બહેન કે વિદેશમાં જઈને વસેલ ભાઈ એકબીજા માટે કરતાં હતાં પરંતુ આજે તો ભારતની અંદર પણ બહેન ભાઈને રાખડી મોકલવા માટે ઈંટરનેટનો ઉપયોગ કરી રહી છે. જેમ જેમ ભારતની અંદર ઈંટરનેટનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ લોકો તહેવારોને પણ તેની સાથે જોડી રહ્યાં છે.

આમ તો જોવા જઈએ તો આનો ફાયદો પણ છે. આનો ફાયદો તે છે કે ભારતથી મીલો દૂર રહેતાં બીજા દેશની અંદર જ પોતાનો સંસાર બનાવીને રહે છે તેઓ પણ ઈંટરનેટ દ્વારા હવે પોતાના દેશના તહેવારોને માણી શકે છે. તેઓ પણ હવે પોતાનો દેશ, પોતાનું શહેર, પોતાની ગલીની અંદર ચાલી રહેલી હલ-ચલને માત્ર ઈંટરનેટ દ્વારા જોઈ શકે છે. તેનાથી ઘરથી દૂર હોવાનું દુ:ખ થોડુક ઓછું થાય છે.
જે બહેનોને વિદેશની અંદર રાખડીની સજાવેલી દુકાનો નથી દેખાતી તેમને ઈંટરનેટ પર ઈ-રાખડીઓનું આખુ બજાર જોવા મળે છે. ફક્ત રાખડી જ નહિ પરંતુ કંકુ અને ચોખાથી સજાવેલી થાળી પણ મળે છે.

હવે તો ઈંટરનેટ પર ઈ-રાખડીને જોઈને વિદેશીઓ પણ આની અંદર રસ દાખવવા લાગ્યા છે. ભારતની અંદર ઉજવાતો આ તહેવાર હવે આ સીમા બંધન તોડીને આખા વિશ્વની અંદર ફેલાવવા લાગ્યો છે અને દરેક લોકોનાં દિલની અંદર જગ્યા બનાવી લીધી છે.