તલાટીની પરીક્ષામાં ઉમેદવારો માટે એસટી નિગમે વ્યવસ્થા કરી, 4500 બસો દોડાવાશે
ગુજરાતમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા માટે ચાર હજારથી વધુ બસો મુકવામાં આવશે.આ પરીક્ષા માટે એસટી નિગમ 60 ટકા જેટલી બસોની ફાળવણી કરશે. વેકેશન હોવાથી અન્ય મુસાફરોની પણ અવરજવર હોવાથી ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી દે જેથી પરીક્ષાના દિવસે કોઈ તકલીફ પડે નહીં.
જુનિયર ક્લાર્ક વખતે 3500 બસો મુકાઈ હતી
ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ એ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, જેવી રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી તે જ રીતે તલાટીની પરીક્ષા યોજાશે. આ માટે અમે તમામ તૈયારીઓ કરી છે. જુનિયર ક્લાર્ક વખતે 3500 બસો મુકાઈ હતી પણ આ વખતે 8.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. જેથી અંદાજે 2 લાખ જેટલા ઉમેદવારો એસટી બસનો ઉપયોગ કરશે તેવી શક્યતાઓને પગલે આ વખતે 4500 બસો મુકવાનું આયોજન છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ જાણ કરાઈ
તેમણે કહ્યું હતું કે, ઉમેદવારોને અમે અપીલ કરીએ છીએ કે, તેઓ જો એસટી બસમાં મુસાફરી કરવાના હોય તો તેઓ એડવાન્સ બુકિંગ કરાવી લે, જેથી તેઓને કોઈ તકલીફ ન પડે. ગુજરાત એસટી નિગમ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ અમદાવાદ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈ અને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો ઘરે પરત ફરતા હોય છે ત્યારે ભીડ થતી હોય છે. જેથી તમામ એસ.ટી બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ જાણ કરી દેવામાં આવી છે.