શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:22 IST)

તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા

હીરા ઉદ્યોગમાં કામ કરતા અમદાવાદના રત્નકલાકારોને 25 ઓક્ટોબરથી 25 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. મોટા ભાગે રત્નકલાકારો સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં કે, અમદાવાદમાં જઈને કામ કરતા હોય છે. દિવાળીના વેકેશનમાં તેઓ તેમના વતન સૌરાષ્ટ્ર જવાનું વધારે પસંદ કરતા હોય છે. તહેવાર સીઝનને ધ્યાનમાં રાખીને બસના ભાડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર જતી બસોના ભાડામાં એક સાથે ત્રણથી ચાર ગણો વધારો થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં જે ભાડું લેવામાં આવે છે, તેના કરતા બેથી ત્રણ ગણુ વધારે ભાડું દિવાળીના વેકેશનના સમયમાં સૌરાષ્ટ્ર જતા લોકો પાસેથી વસુલવામાં આવે છે.

અમદાવાદમાં ખાનગી બસોના વધેલા ભાડાની વાત કરવામાં આવે તો અમદાવાદથી અમરોલી, બગસરા જવા માટે 350થી 750 સુધી, અમદવાદથી સાવારકુંડલા જવા માટે 350થી 800, અમદાવાદથી ઉના જવા માટે 400થી 900, અમદાવાદથી જૂનાગઢ જવા માટે 400થી 1,000 અને અમદાવાદથી મુંબઈ જવા માટે 600થી 1400 રૂપિયા ભાડું વસુલવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ ભાડાઓમાં હજુ પણ 100 રૂપિયાનો વધારો થયા તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદની જેમ સુરતમાં ખાનગી બસોમાં ભાડામાં બેથી ત્રણ ગણો વધારો થઇ રહ્યો છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને બીજી તરફ ખાનગી બસોના સંચાલકો બસનું ભાડું બેથી ત્રણ ગણુ કરીને બેઠા હોવાના કારણે રત્નકલાકારોને પોતાના વતન જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ખાનગી બસના વધારે ભાડામાંથી રાહત મળી રહે, તે માટે અમદાવાદ અને સુરતમાં ST વિભાગ દ્વારા વધારે બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાત રત્નકલાકારો માટે ખાસ ગ્રુપ બુકિંગની સુવિધા આપવામાં આવી છે.