શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 23 મે 2021 (12:18 IST)

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મારી મંજૂરીની મહોર

વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ૧૪મી ગુજરાત વિધાનસભાના ૮ મા સત્રમાં ૧૫ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા ૭ વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ હવે બાકીના ૮ વિધેયકોને રાજ્યપાલએ મંજૂરીની મહોર મારી છે તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આમ રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ૧૫ વિધેયકોને રાજયપાલશ્રીએ મંજુરીની મહોર મારી છે. 
 
ભુપેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, જે વિધેયકોને પણ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં (૧) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021, (૨) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021: (૩) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૪) ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ), (૫) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૬) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ૨૦૨૧:, (૭) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્‌ડ રેગ્યુલેશન) વિધેયક, ૨૦૨૧, (૮) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૧નો સમાવેશ થાય છે. 
 
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021માં  આયુષ કોર્ષના અન્ડર ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષીસના પ્રવેશ પ્રક્રિયા અર્થે ૧૫% બેઠકો સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ્સ સંસ્થા અને ખાનગી સંસ્થા તેમજ ૮૫% બેઠકો રાજ્ય સરકાર દ્વારા ભરવા બાબતનો સુધારો કરવા માટે રજૂ થયુ હતું જેને મંજૂર કરવામાં આવ્યુ છે. 
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021 આ વિધેયકમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓને નાબુદ કરી પંચાયત સેવા વર્ગ-૩ના તમામ સંવર્ગની સીધી ભરતી કરવા અંગેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને આપવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩માં આનુશંગિક સુધારા કરવાનો હતો તેને પણ મંજૂર કરવામાં આવ્યો છે. 
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧માં  રાજ્યમાં આ અધિનિયમના અમલ દરમિયાન, એવું અનુભવાયું હતું કે ઘણા કિસ્સામાં, આ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને, મિલકતોની તબદીલી કરવામાં આવી છે અને તેને કારણે અનૈતિક વ્યક્તિઓને ગેરકાયદેસર કબજો મળે છે. 
 
સ્થાવર મિલકતની આવી ગેરકાયદેસરની તબદીલી રોકવા અને કાયદેસરના માલિકોના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી, ઉપર્યુક્ત અધિનિયમ સુધારવાનું જરૂરી જણાયું હતું અને તે હેતુ માટે, સન ૧૯૯૧ના સદરહુ અધિનિયમને, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરાઇ છે. આ વિધેયકને પણ રાજ્યપાલે મંજૂરી આપી છે.
 
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ)માં ગુજરાત રાજ્ય માં ઉક્ત સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું તે પહેલાં ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન એક્ટ, ૨૦૦૩ અમલ માં હતો જે મુજબ જ્યારે કોઇ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે ત્યારે ધર્મ પરિવર્તન કરતાં પહેલાં તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પૂર્વ પરવાનગી લેવી આવશ્યક બનાવવામાં આવી હતી જેથી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના કાર્યો ને અટકાવી શકાય. 
 
પરંતુ કેટલાક સમય થી એમ જોવા માં આવી રહ્યું હતું કે હવે કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા લગ્ન, સારી જીવનશૈલી વિગેરે લાલચો આપી જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી વગર ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહેલ છે. આ પ્રકાર ના કૃત્યો અટકાવવાના હેતુસર આ  અધિનિયમ માં કેટલાક સુધારા કરવા જરૂરી જણાતાં આ બદી અટકાવવા માટે કેટલીક કડક જોગવાઈઓ કરતું વિધેયક પસાર કરાયુ હતું તેને પણ રાજ્યપાલએ મંજૂરી આપી છે. 
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ શિક્ષણ વિભાગના ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૧માં ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ-૨૦૦૯માં સુધારા કરવા માટે Ease of doing Business, transparent working અને Good Governance ના પરિપ્રેક્ષ્યમાં સદર અધિનિયમના સેક્શન, સબ સેક્શન બેઠક, પ્રોવિઝો વગેરેનો અભ્યાસ કરી જરૂરી સુધારા માટે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ અધિનિયમમાં યુનિવર્સિટીના પ્રમુખોની ફેર-નિમણૂક, યુનિવર્સિટીનું વિસર્જન, સ્ટેચ્યુટ્સની મંજૂરી માટે નિર્ધારિત કરેલો સમયગાળો-વિગેરે જેવા સુધારા બાબતે દરખાસ્ત છે. આ ઉપરાંત “સિલ્વર ઑક યુનિવર્સિટી” સ્પોંસરીંગ બોડી બદલી ને નવેસરથી The Companies Act, 2013 નીચે નૉંધણી કરાવેલ છે. તેમજ વધુ નવી સાત (૭) ખાનગી યુનિવર્સિટીઓ સદર બીલ દ્વારા ખાનગી યુનિવર્સિટીઓ તરીકે દાખલ કરેલ છે જેને પણ મંજૂરી આપવામાં આવી છે. 
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ૨૦૨૧માં મુખ્યત્વે ગ્રાન્ટ લેતી હોય તેવી લઘુમતિ શાળાઓમાં શિક્ષકોની ભરતી રાજ્ય સ્કૂલ સર્વિસ દ્વારા થઈ શકે તે હેતુસર તથા અન્ય સુધારા સૂચવવામાં આવેલ છે. તેને પણ મંજૂરી મળી ગઇ છે. 
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્ડ  રેગ્યુલેશન) વિધેયક, ૨૦૨૧: અંતર્ગત રાજ્યમાં ચિકિત્સા કેન્દ્રોનું રજિસ્ટ્રેશન કરવા અને તેનું નિયમન કરવા માટેની અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા,જાહેર આરોગ્યમાં સુધારો કરવા માટે સંવિધાનના અનુચ્છેદ ૪૭ના આદેશનું પાલન કરી શકાય તે માટે ચિકિત્સા કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવે તેવી સુવિધાઓ અને સેવાઓના ધોરણો ઠરાવવાના હેતુથી ચિકિત્સા કેન્દ્રોનું રજિસ્ટ્રેશન કરવા અને તેનું નિયમન કરવા માટેની જોગવાઇ કરવાનું જરૂરી જણાયું છે; 
 
રાજ્ય માં આવેલ ખાનગી હોસ્પિટલો અને પેરા મેડીકલ સંસ્થાઓ ના રજિસ્ટ્રેશન અને નિયમન માટે નવો કાયદો તૈયાર કરેલ છે. આ નિયમન કરવાનો મુખ્ય હેતુ ખાનગી ક્ષેત્ર ની હોસ્પિટલ્સ માં એપીડેમીક ફેલાય ત્યારે તેમને ત્યાં દાખલ દર્દીઓ ની સાચી સંખ્યા જાણી શકાશે તથા તે હોસ્પિટલ્સ ને તેમના બેડ એપીડેમીક સમયે ખાલી રાખવા અને રાહત દરે દર્દીઓ ને સારવાર આપવાના હેતુસર આ સુધારા વિધેયકને પણ મંજુરી મળી છે.   
 
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૧માં  ફોજદારી કાર્યરીતી અધિનિયમ ની કલમ ૧૯૫ માં સુધારો કરી તેમાં ઉલ્લેખ કરેલ કલમો ૧૭૨ થી ૧૮૮ પૈકી કલમ ૧૭૪એ તથા ૧૮૮ દૂર કરવા માટે નો સુધારો સૂચવવા આવ્યો છે. આ સુધારો કરવાનો હેતુ એ છે કે પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટોને, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨-જા)ની કલમ ૧૪૪ હેઠળ જુદા જુદા પ્રસંગોએ, જાહેર વ્યવસ્થા જાળવવા માટે, કોઇ વ્યક્તિને અમુક કામ ન કરવાનો અથવા કોઇ વ્યક્તિને થતી અડચણ, ત્રાસ કે નુકસાન અથવા લોકોના મન, સ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ અથવા બખેડો અટકાવવા માટે અમુક હુકમ કરવાનો આદેશ આપતા નિષેધાત્મક હુકમો બહાર પાડવાની સત્તા આપવામાં આવેલ છે. ઉપર્યુક્ત નિયંત્રણોનો અમલ કરાવવા માટે કામમાં રોકાયેલા પોલીસ અધિકારીઓને, હુમલાના બનાવોનો સામનો કરવો પડે છે અને ભારતના ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ હુમલો કરનારાઓ વિરૂદ્ધ યોગ્ય કાયદેસરના પગલાં લેવાની જરૂરિયાત રહે છે. 
 
તેમ છતાં, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૯૫ આવા હુકમો કરનાર જાહેર સેવક માટે, હુમલો કરનારની સામે ફરિયાદી બનવાનું ફરજિયાત કરે છે, જેનાથી પોલીસ અધિકારીઓ દ્વારા હુમલાના બનાવોની ન્યાયિક નોંધ લેવામાં અવરોધ ઊભો થાય છે. આ વિધેયકને પણ રાજ્યપાલએ મંજુરી આપી છે એમ મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યું હતુ.