1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2024 (11:33 IST)

સુરેન્દ્રનગરમાં કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ, ત્રણના મોત

surendra nagar accident
surendra nagar accident
સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મુળી-સરલા રોડ પર સરલા પાસે કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મુળીની હોસ્પિટલ ખાતે ત્રણેયની લાશને રાખવામાં આવી છે. હજુ સુધી મૃતકોની ઓળખાણ મળી નથી. ગઈકાલે લીંબડી પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્યની ગાડીના અકસ્માતની ઘટના સામે આવી છે.

સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. આ અકસ્માતના વિચલીત કરતા દ્દશ્યો પણ સામે આવ્યાં છે. કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો હતો. જેથી કારના આગળના ભાગનો કચ્ચણઘાણ વળી ગયો હતો.મૂળી-સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેકટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. કોલસાની ખાણોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતાં વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે. રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધ્યો છે. થાન અને મૂળી પંથકમાં ખનીજ ચોરી ફરી ધમધમી ઉઠી છે.આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્દશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતના બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલીક દોડી આવી હતી અને પોલીસે તાકીદે ત્રણેય લાશોને પોસ્ટ મોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ન હોવાથી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ હાઈવે પર માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરોએ વધુ ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.