ભારત અને પાકિસ્તાનની મેચ પતે એ પહેલાં જ અમદાવાદમાં લોકોએ ટીવી ફોડ્યાં,
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ ક્રિકેટ મેચમાં રસિયાઓએ અમદાવાદમાં ભારે ઉજવણીની તૈયારીઓ કરી હતી. લોકોએ મેચ જોતા જોતા ઉત્તમ ભોજન અને માણીગર સામગ્રીઓનો પણ બંદોબસ્ત કર્યો હતો. આખરે મેચનું પરિણામ પરાજયમાં ફરી વળતાં અમદાવાદના ક્રિકેટ રસિયાઓને ભારે આંચકો લાગ્યો હતો. લોકોએ આ મેચને ફિક્સિંગનું નામ આપ્યું હતું.
સોશિયલ મીડિયામાં લોકોએ ભારે ટીકા અને નારાજગી વ્યક્ત કરી હતી. આ બધા વચ્ચે અમદાવાદના ધરણીધર દેરાસર પાસે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરતાં રસ્તા પર ટીવી ફોડ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાનનો વિજય થતા કોંગ્રેસ નેતા ગુરુદાસ કામતે પાકિસ્તાનની ટીમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. ગુરુદાસના ટ્વીટનાં જવાબમાં ગુજરાતનાં પંચાયતમંત્રી જયંતિ કવાડીયાએ તેમને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપીને પાકિસ્તાનની જીત એ આતંકવાદીઓની જીત ગણાવી હતી. કેટલાકે વ્યંગ્ય કર્યો હતો કે, પાકિસ્તાન જીતી ગયું સહન થઈ શકશે પણ તેમના ખેલાડીઓનું અંગ્રેજી સહન નહીં કરી શકાય. મેચ ફિક્સડ હતી અને વી હેટ ઈન્ડિયા એવી પોસ્ટ પણ ફેસબુક પર કેટલાક યૂઝર્સે રજૂ કરી હતી. એક તબક્કે હાર્દિક પંડ્યા ખૂબ સારું પ્રદર્શન કરતો હતો ત્યારે જાડેજાના કારણે તે રન આઉટ થતા એવી પણ પોસ્ટ કરાઈ હતી કે, પંડ્યા તો બાહુબલી થા,સાલા જાડેજા કટપ્પા નિકલા’.