ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર પાંચ મુસાફરોએ દારૂ પીને મચાવ્યો હોબાળો
બેંગલુરુથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર પાંચ મુસાફરોએ ચિક્કાર પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. એરલાઈન્સ કંપનીએ પાંચેય નાશાખોરની જાણ પોલીસને કરતા તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૈસૂરના 7 મુસાફરોનું ગ્રૂપ બેંગલુરુથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6423 માં સવાર હતું. જેમાં કર્ણાટકના રહેવાસી મંજુનાથ ગૌડા સહિત પાંચ મુસાફરો દારૂ પીને ટલ્લી થયેલા હોવાથી ફ્લાઈટ ટેકઑફ થયાની થોડીક ક્ષણો બાદ આમ તેમ બબડવાનું શરૂ કર્યું હતું. ભાન ભૂલેલા મુસાફરોએ ચાલુ ફ્લાઈટમાં હોબાળો મચાવી દીધો હતો. ઈન્ડિગોમાં સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે કામ કરતા પ્રકાશ મકવાણાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવાર રાત્રે 10:45 કલાકે કેપ્ટન દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર ને મેસેજ મળ્યો હતો અને તેઓએ નશામાં ચૂર પેસેન્જર્સ હોવાની જાણ કરી હતી. લિકર પરમિટ ન હોવાથી અમે પાંચેય મુસાફરોને પોલીસને હવાલે કર્યા હતા.