સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (11:44 IST)

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી, મુખ્યમંત્રીએ જળ પૂજન કરી કર્યા વધામણા

sardar sarovar
સરદાર સરોવરમાં પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ, અંદાજે ૧ લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે
 
ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે.
 
એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.
 
પાણીનો આ આવરો થવાથી  રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના  બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના  હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી  મળશે.  આ ઉપરાંત  નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે  સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ  નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે. 
 
ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે  કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્વળ ભાવિની દિશા આપી હતી રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં ૭ મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જ વરદહસ્તે ર૦૧૭ની ૧૭મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે. 
 
વર્ષ ર૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. ર૦ર૦માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર ર૦રરમાં ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.