મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (13:09 IST)

ખેડૂતો પર લાઠીચાર્જના વિરોધમાં સાણંદ બંધને મિશ્ર પ્રતિસાદ

સાણંદના નળકાંઠા વિસ્તારમાં સિંચાઇના પ્રશ્ને ગઇકાલે યોજાયેલી અધિકાર રેલીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસકર્મીઓ અને ખેડૂતોને ઇજા થવા પામી હતી. ઘટનાને પગલે ઠાકોર સેના દ્વારા આજે સાણંદ બંધનું એલાન આપ્યું છે. આ બંધના એલાનને પગલે સાણંદ શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.

આજે વહેલી સવારે દુકાનો બંધ રહેતાં કેટલાક ભાજપના કાર્યકરો અને પોલીસ દ્વારા દુકાનોને ખોલાવવામાં આવી હતી જોકે ઠાકોર સેનાના કાર્યકરો પણ આવી પહોંચતા બંને વચ્ચે ગરમાગરમી થઇ હતી. બંધના એલાનને પગલે મોટો પોલીસ કાફલો સાણંદ શહેરમાં ગોઠવી દેવાયો છે.

આઇજી, એસપી, ૩ ડીવાયએસપી, ૪ પીઆઇ, ૬ પીએસઆઇ અને બે એસઆરપીની કંપનીઓ બંદોબસ્તમાં ગોઠવાઇ ગઇ છે. સવારના સમયે દુકાનો બંધ રહેતાં તેને ખોલાવવા માટે ભાજપના સ્થાનિક કાર્યકરો દોડી ગયા હતા તેમજ દુકાનોને ખોલવા માટે દબાણ કરાયું હતું જ્યારે બીજી તરફ ઠાકોર સેનાએ ખૂલેલી દુકાનોએ ફરી બંધ કરાવી હતી. મોટા ભાગની દુકાનો બંધ રહેતાં ભાજપી કાર્યકરોએ બંધને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દુકાનોને બંધ કરાવાતાં ઠાકોર સેનાના ૧૦ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કાર્યકરોની અટકાયત કરાતાં ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ઠાકોર સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દરમ્યાનમાં ઠાકોર સેનામાં જૂથવાદ સામે આવ્યો હતો.

સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ઠાકોરે મીડિયા સમક્ષ અમે બંધનું એલાન પાછું ખે‌ંચીએ છીએ તેવું નિવેદન આપ્યું હતું. જોકે થોડા સમયમાં જ બંધનું એલાન યથાવત રખાયું હોવાનું નિવેદન પણ સામે આવ્યું હતું. અલ્પેશ ઠાકોરે પૂછ્યા વગર જાહેરાત કરતાં વિવાદ ઊભો થયો હતો. જેના પગલે રમેશ ઠાકોરે નિવેદન બદલી બંધનું એલાન યથાવત્ રાખ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં સાણંદમાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. હાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.