બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 26 ઑક્ટોબર 2016 (14:13 IST)

અમદાવાદથી ફરાર થયેલાં મૂળ પાકિસ્તાની દેરાણી-જેઠાણી રાજસ્થાનથી ઝડપાયા

પાલડીના શાલિમાર કોમ્પ્લેક્સમાં રહેતાં અને મૂળ પાકિસ્તાનનાં રહેવાસી દેરાણી-જેઠાણી પોતાનાં બે બાળકો સાથે ત્રણેક દિવસ અગાઉ ગુમ થયાં હતાં, જે રાજસ્થાનના જોધપુરથી મળી આવ્યાં છે. બંને દેરાણી-જેઠાણી સાસરિયાંઓના ત્રાસથી કંટાળી ગયાં હોઇ તેઓએ પાકિસ્તાનમાં પોતાના સંબંધીને જાણ કરી હતી અને વાયા રાજસ્થાન થઇને પાકિસ્તાન જવાનાં હતાં, પરંતુ જોધપુર પાસે પોલીસ ચેકિંગ દરમિયાન શંકાના આધારે તપાસ કરાઇ હતી અને છેવટે પાલડી પોલીસને જાણ કરાતાં પોલીસે તેઓનો કબજો લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાલડીના શાલિમાર કોમ્પ્લેક્સમાં રહેતાં પાકિસ્તાનના કરાચીનાં રહેવાસી બે દેરાણી-જેઠાણી ૨૩ તારીખે સાંજે પોતાના બે દીકરાને લઇને ઘરમાંથી નીકળી ગયાં હતાં. ઘરમાં તપાસ કરતાં બંનેના પાકિસ્તાનના પાસપોર્ટ, લગ્નના દસ્તાવેજો, બાળકોનાં પ્રમાણપત્ર અને વિઝાના કાગળો પણ ગાયબ હતા. આ અંગે પાલડી પોલીસને જાણ કરાતાં તેઓએ હોમ ડિપાર્ટમેન્ટમાં પાકિસ્તાની એમ્બેસીને જાણ કરી હતી. દરમિયાનમાં આ બંને રાજસ્થાનના જોધપુરથી તેમના સંબંધીની મદદ મેળવી પાકિસ્તાન જવાનાં હતાં. તેમના બંને છોકરાઓના પાસપોર્ટ ન હોઇ પોલીસ તપાસ દરમિયાન તેઓની પૂછપરછ દરમિયાન ઘરેથી નીકળી ગયાં હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં પાલડી પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.