જૂનાગઢમાં ગોઝારો અકસ્માત, રાત્રે બાઈક પર ઘરે જતાં મિત્રોને ઈકો ચાલકે અડફેટે લીધા, ત્રણેયના મૃત્યુ
જૂનાગઢ, 14 માર્ચ 2024, ગુજરાતમાં બેફામ વાહનો હાંકતા લોકો અકસ્માતો સર્જી રહ્યાં છે. જૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રો બાઈક પર ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે એક ઈકો ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું અને ત્રણેયને કચડી નાંખ્યા હતાં અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ત્રણ મિત્રોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાંટવા પાજોદ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈકો કારે બાઈક સવાર ત્રણેય મિત્રોને અડફેટે લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે બાઈક લઈ ત્રણ મિત્રો ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આવેલી ઈકો કારે બાઈક સવાર ત્રણેય મિત્રોને અડફેટે લીધા હતા. જેમાં ભગવાન નગાભાઈ મોરી, હરદાસ કાળાભાઈ ઓડેદરા, પરેશ પરબતભાઈ રામ નામના ત્રણેય મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત થયાની જાણ થતા આસપાસ વિસ્તારના લોકો એકઠા થયા હતા.
અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘાયલ થયેલા ત્રણેય મિત્રોને પ્રથમ માણાવદર અને ત્યારબાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય મિત્રોના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યાં હતા અને ભારે આક્રંદનો માહોલ છવાયો હતો. બાંટવા પાજોદ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.