રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (10:20 IST)

અમદાવાદમાં પૈસા માટે પત્ની અને દિકરાને મુકીને પતિ ઘર છોડીને જતો રહ્યો, પરીણિતાએ પતિ સહિત આઠ સામે ફરિયાદ કરી

પત્નીએ પિયરમાંથી દસ લાખ લાવી આપ્યા બાદ પણ સતત દહેજની માગણી કરાતી
 
દહેજનું દૂષણ આજના શિક્ષિત સમાજમાં વધી રહ્યું છે. દહેજના ત્રાસથી અનેક પરીણિતાઓનું જીવન દુઃખમય બન્યું છે. ત્યારે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પરીણિતાએ પિયરમાંથી દસ લાખ રૂપિયા લાવી આપ્યા બાદ પણ સતત દહેજની માગણી માંગણી કરવામાં આવી હતી. આટલેથી નહીં રોકાતા રૂપિયા માટે પરીણિતાનો પતિ તેને માર મારીને પત્ની અને દિકરાને તરછોડીને જતો રહ્યો હતો. આ મામલે પરીણિતાએ ફરિયાદ નોંધાવતાં અમદાવાદમાં પૂર્વ મહિલા પોલીસે પતિ સહિત આઠ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
 
લગ્ન વખતે પરીણિતાના પિતાએ 10 લાખના દાગીના આપ્યાં હતાં
આ કેસની વિગત એવી છે, મેઘાણીનગરમાં રહેતી મહિલાએ એ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં વાડજમાં રહેતા પતિ સહિત સાસરીના આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદી મહિલાના 2011માં સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. સગાઇ વખતે પતિએ મહિને 50 હજાર પગાર હોવાની વાત કરી હતી. લગ્ન સમયે મહિલાના પિતાએ દસ લાખના દાગીના તથા એક લાખ રોકડા અને ઘરવખરીનો સામાન આપ્યો હતો. લગ્ન બાદ પરીણિતાને થોડા મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી.
 
પતિ ઘરનું ભાડુ સમયસર આપતો નહતો
લગ્ન બાદ પતિએ એટલી હદે હેરાનગતિ કરી હતી કે, ભાડાના ઘરમાં રહેતાં હોવાથી ઘરનું ભાડુ પણ સમયસર આપતો ન હતો. દિકરો બિમાર થાય તો તેની સારવાર માટે હોસ્પિટલના પૈસા પણ આપતો ન હતો. તે સગાસંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લાવીને દારૂ પીતો હતો. પરંતુ દિકરાના અભ્યાસના પૈસા આપતો નહતો. એવું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. તેણે એવું પણ ફરિયાદમાં કહ્યું હતું કે, જો હું પૈસા ના આપું તો તે મારી સાથે મારઝૂડ કરતો અને ગંદીગાળો પણ બોલતો હતો. મારી સાસરીપક્ષના લોકો મારા પતિને મારા વિરૂદ્ધ ચઢામણી કરતાં હતાં. 
 
પતિએ વાહન તથા દાગીના વેચી દીધા હતા
ત્યારબાદ ધધામાં નુકસાન થયું હોવાની વાત કરીને  પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી મહિલાએ એફડી તોડાવીને તેમજ પિયરમાંથી દસ લાખ લાવીને આપ્યા હતા. પતિ કોઇ કામ ધંધો કરતા ન હતા અને આખો દિવસ ઘરે બેસી રહેતો હતા.પતિએ વાહન તથા દાગીના વેચી દીધા હતા. દિકરાના અભ્યાસ માટે અને ઘરખર્ચ માટે રૂપિયા આપતો ન હતો અને વધુ રૂપિયા નહી લાવી આપું તો મારી નાંખવાની ધમકી આપીને મહિલાને સાથે મારઝૂડ કરીને બાળક અને પત્નીને એકલી મુકીને પતિ ઘર છોડીને જતો રહ્યો હતો. બાદમાં પરીણિતાએ પતિ સહિત આઠ લોકો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.