રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (09:54 IST)

સુરતના કાપોદ્રામાં પિતાએ ખરાબ સંગત અંગે ઠપકો આપતાં દીકરાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો

વાહન ચોરીના કેસમાં પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા બાદ પિતાએ ઠપકો આપતા કાપોદ્રાના ધો- 12ના વિદ્યાર્થીએ નાના વરાછા કલાકુંજ પાસેના રિવર બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. તા.21મીએ ઘરેથી નીકળ્યા બાદ પડતું મુકનાર વિદ્યાર્થીનો સોમવારે બ્રિજ પાસેથી જ મૃતદેહ મળ્યો હતો.

અમરેલીના મોટાલીલીયા તાલુકાના સેઢાવદર ગામના વતની અને કાપોદ્રા ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 17 વર્ષીય પુત્ર જેનીશ ઘર નજીક શુભલક્ષ્મી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તા.21મીના રોજ જેનીશ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. નાનાવરાછા કલાકુંજ પાસેના નવા બ્રિજ પર પહોંચી તાપીમાં પડતું મૂક્યુ હતું. કોઈક બાઈક ચાલકની નજર પડતા ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી પરંતુ જેનીશનો કોઈ પત્તો લાગ્યો ન હતો.બીજી તરફ જેનીશ ઘરે પરત ન ફરતા તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સોમવારે સવારે બ્રિજ પાસે જ તાપીમાંથી જેનીશનો મૃતદેહ મળ્યો હતો.​​​​​​​

કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, 21મીએ જેનીશ ગુમ થયો હતો. તેના 3 દિવસ પહેલા જ વાહનચોરીના કેસમાં જેનીશને પોલીસે તેના પિતા સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને જેનીશ ખરાબ સંગતમાં જઈ રહ્યો હોવાનુ તેના પિતાને જણાવ્યું હતું અને જેનીશને સમજાવ્યો હતો. ઘરે ગયા બાદ પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેના કારણે તેણે પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. ઉપરાંત ધોરણ-12ની પરીક્ષા આપી હોવાથી તેના પરીણામની ચિંતામાં પણ પગલું ભર્યું હોવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.