1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:31 IST)

ખંભાતના અકબરપુરમાં પથ્થરમારા અને આગચંપી બાદ પોલીસનું 7 રાઉન્ડ ફાયરિંગ

અકબરપુર વિસ્તારમાં બે કોમના લોકો સાથે રહેતા હોવાથી અવારનવાર છમકલાં થાય છે. ચાર દિવસ અગાઉ લગ્નમાં ડી.જે વગાડવા બાબતે બે કોમ બાખડી હતી. જેના પરિણામ સ્વરૂપે રવિવારે ફરી બે કોમના ટોળાઓ સામસામે આવી પથ્થરમારો કરતાં સ્થિતિ તંગ બની હતી. વિફરેલા ટોળાઓએ મદનનગર પાસે આગચંપી કરતાં જિલ્લાનો પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસે ટીયર ગેસના 22 રાઉન્ડ અને 7 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યા હતાં.  5 પોલીસ જવાન સહિત 15થી વધુ વ્યક્તિઓને વધતી ઓછી ઇજા થઇ છે.રવિવાર બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક અકબરપુર વિસ્તારના મદનનગર નજીક બે કોમના ટોળા સામેસામે આવીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. વિફરેલા ટોળાએ મદનનગરમાં બે હોમગાર્ડ જવાનોના મકાન સહિત 7 મકાનોમાં આગ ચાંપી દીધી હતી. ટોળાએ ઘરોમાં લૂંટફાટ પણ ચલાવી હતી. આ સાથે એક ટૂ વ્હીલર અને કારમાં પણ આગ ચાંપી દીધી હતી. અને બે બકરીના લવારીયાને જીવતાં સળગાવી દીધા હતાં. આ બનાવની જાણ થતાં ખંભાત પોલીસ કાફલા સાથે પહોચી ગઇ હતી.વિફરેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરીને ત્રણ વાહનોને નુકસાન પહોચાડ્યું હતું. જેના પગલે જિલ્લાના પોલીસ કાફલાને પણ બોલાવીને ટોળાને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. અને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.