શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (11:03 IST)

અમદાવાદમાં મુસ્લિમ પ્રેમી સાથે રહેવા માગતી પરિણીતાને મેજિસ્ટ્રેટ અને તેમનાં પત્નીએ સમજાવતાં પતિ પાસે પરત ફરી

અમદાવાદના દાણીલીમડામાં રહેતી યુવતી તેના જ વિસ્તારમાં રહેતા મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ ફરિયાદ બાદ પરત આવી તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ હતી. આ અંગે મેજિસ્ટ્રેટ અને તેમનાં પત્નીએ યુવતીને સમજાવતા આખરે તે પતિ સાથે રહેવા માટે તૈયાર થતા તેને ઘરે પરત મોકલવામાં આવી. દાણીલીમડામાં રહેતી 21 વર્ષીય રેણુકાને તેના જ વિસ્તારના હસનના પ્રેમમાં પડી હતી. જોકે રેણુકાના પિતાએ તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ રાજેશ નામના યુવક સાથે કર્યાં હતાં. લગ્ન બાદ સાસરીમાં પાંચ માસથી રેણુકા બીમાર હતી, જેથી તે 10 દિવસ માટે પિયર આવી હતી. આ દરમિયાન રેણુકા હસન સાથે ભાગી ગઈ હતી. કામ પરથી ઘરે પરત આવેલાં માતાપિતાએ દીકરી રેણુકાને ન જોતાં તેમણે તેની સાસરી, સગાંસંબંધી દરેક જગ્યાએ તપાસ કરી, પરંતુ રેણુકાની કોઈ ભાળ મળી ન હતી. આખરે પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. 15 દિવસ પછી રેણુકાએ પોલીસ સ્ટેશને હાજર થઈ અરજી કરી હતી કે, ‘હું મરજીથી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મારે મારાં માતાપિતા કે પતિ સાથે જવું નથી. મને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપો.’ રેણુકાની વાત સાંભળીને પોલીસ તેને એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. આર. પટેલના નિવાસસ્થાને રજૂ કરી હતી. રેણુકાએ માતા-પિતા, પતિ કે સગાં સંબંધીના ઘરે જવાની સ્પષ્ટ ના પાડી દઈ નારી સંરક્ષણ ગૃહમાં મોકલવા રજૂઆત કરી હતી. મેજિસ્ટ્રેટના ઘરે હાજર કરાયેલી પરિણીતાની વાત મેજિસ્ટ્રેટનાં પત્ની શિવાંગીબેને સાંભળી હતી. જીદે ચડેલી રેણુકાને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પાલડી વિકાસ ગૃહમાં મોકલવાનો હુકમ કર્યો હતો, પરંતુ પરિણીતાનો સંસાર બગડે નહીં તે માટે મેજિસ્ટ્રેટ અને તેમનાં પત્નીએ સમજાવતાં આખરે તે ઘરે પરત ફરવા તૈયાર થઈ હતી.પતિ અને માતાપિતા હોવા છતાં નારી સંરક્ષણ ગૃહમાં રહેતી રેણુકાનું મેજિસ્ટ્રેટ એ.આર.પટેલ અને પત્ની શિવાંગીબેને કાઉન્સેલિંગ કરીને નવેસરથી જિંદગી શરૂ કરવા સમજાવી હતી. અથાગ પ્રયાસ બાદ રેણુકાએ પોતાની જીદ છોડી મેજિસ્ટ્રેટ અને તેમનાં પત્નીની વાત માની પિતાના ઘરે જવા તૈયાર થઈ હતી. રેણુકા તૈયાર થતાં શિવાંગીબેને નારી સંરક્ષણ ગૃહમાં મીઠાઈ વહેંચી હતી. કાનૂની કાર્યવાહી પ્રમાણે પાલડી વિકાસ ગૃહે કોર્ટમાં અરજી કરી હતી કે, રેણુકા સંસ્થામાં રહેવા માગતી નથી. સંસ્થામાંથી મુક્ત થઈ પિતાના ઘરે જવા માગે છે. (પાત્રોનાં નામ બદલ્યાં છે)