સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (12:15 IST)

28 કરોડના ખર્ચે 8 મહિના પહેલા તૈયાર થયેલો અમદાવાદ એરપોર્ટનો રન વે વરસાદમાં ઘોવાયો

ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે અને ભ્રષ્ટાચારની પોલ ખુલતી જાય છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખાબકેલા વરસાદથી ખૂબ જ મોટું નુકસાન થવાની વકી છે. ત્યારે હજી ગત વર્ષે જ આશરે 28 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અમદાવાદ એરપોર્ટના રન વેનું કાસળ નિકળી ગયું છે. 8 મહિના પહેલા તૈયાર થયેલો આ રન-વે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. જેના પગલે સવારે 10 વાગ્યા બાદ અમદાવાદ આવતી જતી ફ્લાઈટો મોડી પડી હતી.

જો કે થોડા સમય બાદ ફ્લાઈટનું રનિંગ ટૂંકાવી લેન્ડિંગ અને ટેક ઓફ શરૂ કરાયું હતું. રન-વેના રિપેરિંગની કામગીરી લગભગ 2 વાગે પૂર્ણ થયા બાદ એરપોર્ટ પર ફ્લાઈટ મૂવમેન્ટ શરૂ થઈ હતી. રન-વે ધોવાઈ ગયાની ઘટનાની તપાસ કરવા એરપોર્ટ ઓથોરિટીએ આદેશ આપ્યા છે.  એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, એરપોર્ટના અધિકારીઓ સોમવારે સવારે 10 વાગે રન-વેનું રૂટિન ઇન્સપેક્શન કરવા ગયા હતા. જ્યાં તેમને રનવે પર ખાડા પડેલા જણાતા વિમાનોની અવર જવર લગભગ બે કલાક સુધી બંધ કરાઈ હતી.  અમદાવાદ આવતી જતી લગભગ  8 જેટલી ફ્લાઈટો મોડી પડી હતી. અમદાવાદ એરપોર્ટના રન-વેનું ગત વર્ષે 29 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માર્ચ 2017 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ જાન્યુઆરીમાં ગુજરાતમાં યોજાયેલા ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખી રન-વેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવ્યું હતું.