મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:04 IST)

મુખ્યપ્રધાન રૂપાણીએ ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર સમિટનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમાજ સેવાથી રાષ્ટ્રસેવા દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ સમાજ વર્ગોને સૌના સાથ સૌના વિકાસ ભાવથી પ્રેરિત થવાનું આહવાન કર્યુ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સમાજ સમાજ વચ્ચે અંતર ઘટાડી હર કોઇ શિક્ષિત-દિક્ષીત-રોજગાર પ્રાપ્ત બને પીડિત-શોષિત-વંચિત પ્રત્યેકને વિકાસના અવસર મળે તે માટે સમાજ વર્ગોમાં રચનાત્મક અભિગમ આવશ્યક છે. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ દેશ-દુનિયાના પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્લોબલ પાટીદાર સમિટ-ર૦૧૮નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

રૂપાણીએ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા યોજાયેલી આ ગ્લોબલ પાટીદાર સમીટનો સંકલ્પ, સમાજ કલ્યાણ-ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, અન્ય સમાજ વર્ગો માટે પણ સમાજ સેવાથી રાષ્ટ્રસેવાનો પથ આ સમિટ દર્શાવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાટીદાર સમાજ પ્રામાણિક, પરિશ્રમી અને વિકાસને સમર્પિત સમાજ છે. તેમણે ઉમેર્યું કે, ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતો પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોને ઊદ્યોગ-સ્વરોજગાર અને સરકારની સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે તે યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવશે જ. રૂપાણીએ રાજ્યની વિકાસયાત્રાના પાયામાં પાટીદાર સમાજના પ્રદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઊદ્યોગ સાહસિકતા, નવું સાહસ કરવાની હિંમત, જોશ અને ધગશને પરિણામે જ આ સમાજ MSME, મેન્યુફેકચરીંગ સેકટર, જેવા ઊદ્યોગ ક્ષેત્રે મહત્વનો હિસ્સો ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પણ આવા સમાજ સેવા કાર્યમાં પ્રોત્સાહન પુરૂં પાડશે. ‘‘સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’’ના ભાવ સાથે યુવાનોને કામ-યોગ્ય સન્માન અને સ્થાન આપી ગાંધી-સરદારના ગુજરાતને ગૌરવ પ્રતિષ્ઠા અપાવવા મુખ્યમંત્રીએ આવી સમિટના આયોજનને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ સાચ અર્થમાં સર્વગ્રાહી વિકાસથી ‘‘ચલો જલાયે દિપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ નો મંત્ર સૌ સમાજ-વર્ગો સરકાર સાથે મળીને પાર પાડશે તેવી મનસા વ્યકત કરી હતી. આ અવસરે પંચામૃતશકિત યોજના અન્વયે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં નવયુવકોને નવા ઊદ્યોગ સ્થાપવા, સ્વરોજગાર. ઉચ્ચ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું માર્ગદર્શન વગેરે માટેના ૧૦ જેટલા MoU કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે ગ્લોબલ પાટીદાર સમિટ વિશ્વભરના પાટીદાર પરિવારોનો સેતુ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. આ સમિટથી સમાજના યુવાનોને ઊદ્યોગ-શિક્ષણ-સ્વરોજગારી ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ સમાજ દ્વારા ૧૦ લાખ યુવાનોને સમાજ સેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરવાના આ મહાઅભિયાનને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.